“હું અને મારું આકાશ.”


દર્પણે આજે કેટલાં વર્ષે શિવાંગીને તેના ગાલ પર ખંજન પડે છે એવો ઈશારો આપ્યો..!! અને ખંજનનો આવો ‘યુ ટર્ન’ સાવ ગેરવ્યાજબી પણ નહોતો. આટલાં વરસે અણધાર્યો આવેલો નિકેતનો ફોન, શિવાંગીને યુવાનીનાં દિવસો તાજાં કરાવી ગયો. શિવાંગી વિચારતી રહી “સાલું, વીસ વર્ષે નિકેતને આ શું સૂજ્યું કે મારો નંબર મેળવી, મને એકવીસી સ્મરણોમાં આમ ઘમરોળી દિધી! જે હોય તે આજે જ્યારે એક વિચાર પણ પોતાનો નથી રહ્યો ત્યારે….પોતાની મદમસ્ત જુવાનીની પ્રશંસા સાંભળવાનું શિવાંગીને ગમ્યું! ને અળતાળીશી ચહેરા પર પોતાના જ ખંજન થી પ્રભાવિત થવાનું ય શિવાંગીને રોમાંચક લાગ્યું!

દર કલાકે મોબાઈલની વોટ્સ એપ એપ્લિકેશન પર આવતા નિકેતના મેસેજ….શિવાંગીને રૂટિનથી જરા હટકે જીવવાની પ્રેરણા આપવા લાગ્યા. જો કે નિકેત જવલ્લે જ ફોન પર વાત કરતો. મૂળ કવિ હ્રદય એટલે નવું કંઈ લખે એટલે તરત શિવાંગીને મોકલે, કોઈ વખત મોટિવેશનલ પિક, કે કોઈ વખત સારા ક્વોટ કે જોક્સ આ બધું વાંચી શિવાંગી ખુશ રહેવા લાગી.

ઘણીવાર બેધ્યાન શિવાંગી પતિ સુકેશની કાળજી રાખવામાં ચૂક કરે તો સુકેશ ઠપકો અચૂક આપે.

શિવાંગીને લગ્નનાં પચ્ચિસ વરસોમાં પોતાની જાત પ્રત્યે જોવાનો અવસર ભાગ્યે જ મળ્યો હશે. શોખ હોય કે પસંદ, ફરવા જવાનું હોય કે ફિલ્મ જોવાની હોય…. બધું જ પતિશ્રીના હુકમને આધિન, યંત્રવત. શિવાંગી વિચારતી કે સમર્પણ એ હદનું પણ ન હોવું જોઈએ કે એ કોઈની આદત કે અધિકાર બની જાય. અને શિવાંગીની જાત સાથે આવું જ કંઈક બની રહ્યુ હતું. પણ આદત અને અધિકારની દિવાલ એવી તો મજબુત બની ચૂકી હતી કે હવે શિવાંગી ધારે તો પણ એમાંથી કાંગરી ય ખેરવી શકે તેમ નહોતી.

તેથી સ્તો શિવાંગીને નિકેતની કોલેજકાળમાં થતી એની એ વાતોમાં ય બદલાવ લાગ્યો!! લાગ્યુ જાણે કોલેજના એ દિવસો નિકેત સાથે ત્યાં ના ત્યાં રોકાઈ ગયા છે અને પોતે ખુબ આગળ નિકળી ચૂકી છે. પણ નિકેત ઘણીવાર એને સમજાવતો ‘ શિવાંગી તું આગળ નથી નિકળી, તું એ દિવસોની સંવેદનશિલતા ગુમાવી ચૂકી છે.” ત્યારે શિવાંગી, હસીને નિકેતની વાત ટાળી દેતી.

આજે શિવાંગીની નાની દિકરી રેહા ની પાંચમી વર્ષગાંઠ છે. હોલ મહેમાનોથી છલોછલ ભરેલો છે. કેક કાપવાના સમયમાં શિવાંગીની રાહ જોવાય રહી છે, અંતે ધિરજ ખુટતાં,સુકેશ બેડરૂમ સુધી શિવાંગીને બોલાવવા જાય છે. બેડરૂમમાંથી બહાર નિકળી રહેલ શિવાંગી, નિકેત સાથે ફોન પર વાત કરતાં ખડખડાટ હસી પડે, પણ ત્યાંજ સામે ઉભેલો સુકેશ શિવાંગીના મુક્ત હાસ્ય પર તુટી પડે છે.

સુકેશ, “ શિવાંગી વોટ ધ હેલ આર ગોઇંગ..!!!” “ મેં નહોતું ધાર્યું કે મારા ‘લેટ ગો’ નો તું આટલો લાભ ઉઠાવીશ!

સાશ્ર્ચર્ય શિવાંગી, “ વોટ ડુ યુ મિન સુકેશ!!!

“ શું હું બુધ્ધુ છું? ડફોળ છું?” આખો વખત મોબાઈલમાં ડાચુ ઘાલીને મરક મરક હસીને શું છાનગપતિયા કરો છો શું એની મને નથી ખબર?” સુકેશના અવાજમાં ગુસ્સા સાથે ધ્રુજારી ભળી.

શિવાંગી સમજાવાતા, “સુકેશ મહેમાનો છે ઘરમાં…. હું તમારી બધી ગેરસમજ દુર……..”

વાત વચ્ચેથી કાપતાં સુકેશ કંઈપણ બોલ્યા વગર બળપુર્વક શિવાંગીનો હાથ પકડી રીતસર શિવાંગી ને ખેંચીને હોલ તરફ લઈ જતાં “ મારી સમજણને ગેરસમજમાં ન ખપાવ, હું ઘાસ નથી ખાતો સમજી!”

કહી મહેમાનોની વચ્ચે લાવી શિવાંગી પર બદચલની ના પ્રહારો કરી સુકેશ ગુસ્સામાં શિવાંગીના ભાઈ ને કહે છે, “ પ્રકાશ લઈ જા તારી નિર્લજ્જ બહેન ને!”
પ્રકાશ, શિવાંગી ને આશ્ર્વાસન આપવાને બદલે “ દીદી, ધીસ ઇસ નોટ ફેર, તારે જીજાજીની માફી માગવી જોઈએ.”

કંઈ જાણ્યા સમજ્યા વિના થયેલા પ્રહારોથી પહેલા તો શિવાંગી ડઘાઈ જાય છે, પણ સ્વસ્થ થતાં સજ્જડ નેત્રે સુકેશ અને પ્રકાશ સામે એક તુચ્છ દ્રષ્ટિ કરી, કહે છે.

“વાહ…વાહ…મિસ્ટર સુકેશ વસાવડા. સમાજમાં તમારો માન મરતબો, શાન શું એ માત્ર તમે એકલાએ ઊભુ કરેલું સામ્રાજ્ય છે? નેવર. તમારી જરુરિયાતો, પસંદ, નાપસંદ નું ધ્યાન રાખવામાં મારા કેટલાં અરમાનો, કેટલી ખુશીઓ, કેટલાં શોખના ભોગ લેવાયા છે તેનો તમને અંદાજ નથી.”

પછી પ્રકાશ તરફ ફરતાં “અને તું પ્રકાશ! તને ભણાવી ગણાવી મોટો કરી, સેટલ્ડ કરી પરણાવ્યો….આજે આ સંભળવા માટે કે દીદી, ધીસ ઇસ નોટ ફેર!!! વાહ…!”

પછી બધાને ઉદ્દેશીને નિડર અવાજ દોહરાવતા,” લિસન…એવરી બડી, પુરૂષો માટે સ્ત્રિ અન ફેર થાય તો શું થઈ શકે એ હવે હું સમજાવીશ”

“મિ. સુકેશ આજથી હું આપની સાથે આંસુની કમજોરી સાથે નહિ જીવું. અબળા બનીને ઘર પણ નહિ છોડું. મરી જાઉ તો કાયર કહેવાઉં. અને તમારા જેવા કાચા કાનના પતિ સાથે લડવામાં મારુ સૌજન્ય લજવાય.” શિવાંગીની આંખોમાં કહેવાતા વિધાનો માટે દ્રઢતાનો તેજસ્વિ ચમકારો જોઈ સુકેશ પણ ઝંખવાઈ જાય ગયો!

શિવાંગીનો સાલસ આક્રોશ હવે એક નિર્ણય જાહેર કરે છે.

“લિસન….સુકેશ… બસ હવે મારું પોતાનું એક આગવું આકાશ હશે, જેમાં સૂર્ય,ચંદ્ર તારા કે નિહારિકાનો અસ્ત કે ઉદય મારી મરજીથી થશે. હું ચાહિશ એ જ મને ચાહિ શકશે. મારા આકાશમાં કોઈનું પણ આગમન મારી મંજુરીથી થશે અને ગમન મારી મરજીથી. મને રાખવા ન રાખવાનો નિર્ણય પણ હવે તમારો રહ્યો નથી, કારણ તમે મારાએ આકાશના પર પ્રકાશિત તારલાં છો મિ.વસાવડા.”.

એક દ્રઢ નિર્ણય મહેમાનોના મેળાવડામાં તરતો મુકી શિવાંગી, પોતાનામુક્ત આકાશમાં વિહરવા બેડરૂમ ભણી કદમ ભરે છે.

લેખક: રાજુ કોટક

Advertisements

હું કોણ છું?…….. એક લૌકિક સવાલ!!!


લઘુ કથા લેખક: રાજુ કોટક

જીવનની શરુઆત એટલે માની લો ને કે યુવાની. સમજણ આવવાનું શરુ થાય એટલે જીવન કેવીરીતે જીવવું એ વિશેના વિચારો ધારદાર રીતે મનમાં ઉભરાવા લાગે, જિંદગીમાં કોઈ એ ના કર્યું હોય એવું એવું કરવાના વિચારો જાગે! જોશ તો એવો હોય કે કંઈક જુદુ જ કરી દુનિયામાં મારી અલગ ઓળખ ઊભી કરવી છે. પણ આપણાં સપનાઓનો કચ્ચરઘાણ આપણી એક જ ભૂલના કારણે થતો હોય છે અને એ ભૂલ કર્યાં વગર છુટકો ય નથી! હું આવું કંઇક વિચારતો હતો ત્યાં મારી ભૂલ મારી સામે ચા નો કપ લઈ ઊભી હતી…!
મારી પત્નિ જ્યોતિ ચા નો કપ ટિપોય પર મુકી મીઠો છણકો કરતાં, “ લ્યો હવે વિચારવાનું બંધ કરી ચા પી લો. ઠંડી થઈ જાશે.”

એ ય મારા વિચાર વાયુથી સુપેરે પરિચિત હતી. વિચારોથી પેટ ના ભરાય એવું જ્યોતિનું માનવું હતુ. અને એ ખોટુ પણ નોહતું, એ આજે મને સમજાય છે. ખાલી લેખક તરીકે મેં કેરિયર બનાવી હોત તો કદાચ માંડ કુટુંબનું ગુજરાન ચાલતુ હોત અને સાયકલ નહી તો બહુ બહુ તો સ્કુટર કે બાઈક ચાલતું હોત, પણ આજે હોંડા-સીટી ચાલે છે એ તો ના જ ચાલતી હોત!

ત્યાં સુધીમાં તો જ્યોતિ મારી વિચાર તંદ્રાને તોડતી નિત્યક્રમ મુજબ શાકની ટોપલી લઈ, મારી સામે હિંચકા પર બેસી, મારા વિચારોની ડોર સંભાળે છે.

શાક સમારતાં શરુ કર્યું, “હું શું કહુ છું”

મન થોડુ બબડ્યું કે અત્યાર સુધી તેં કહ્યું એમ જ કરતો આવ્યો છું ને.

પછી એની વાત પર ધ્યાન આપવાની કોશિશ કરતાં, “હં…”

“ આખી જિંદગી તમે કુટુંબ માટે…..મારા માટે, છોકરાઓ માટે, ઘણું કર્યુ. જાત ઘસી નાખી હવે આરામ કરો. જુઓ હું તો નોકરી કરું જ છું, હવે તો સરકારી પગારો પણ સારા થઈ ગયાં છે અને દિકરો પણ કમાઈ લે છે….આપણે ઘરમાં છીએ ગણી ને ત્રણ જણ..!આટલી આવકમાં આરામથી આપણું સ્ટેટ્સ મેઇંટેન કરી શકીશું… ધંધામાં હવે કોઈ રિસ્ક ના લેશો ભઈસા’બ!”

મને સમજતાં વાર ન લાગી કે આખી વાતમાં મારુ ધંધામાં લેવાયેલું રિસ્ક ફોકસ થતું હતું. અને એની વાત ખોટી પણ ન હતી કે રિસ્ક ના કારણે ઘરનું બજેટ પણ અસ્તવ્યસ્ત થઈ ચૂક્યુ હતું. નિવૃત થવાની વાત પર પણ મને વિચાર કરવા જેવુ લાગ્યું. કારણ એક સામાન્ય નોકરી કરી કેરિયરની શરૂઆત કર્યા બાદ મારી મહત્વકાંક્ષા અને મહેનતે, મને અને મારા કુટુંબને સુખ સગવડનાં તમામ સાધનો ઉપલબ્ધ કરાવ્યાં હતાં.

છતાં પણ મારી મુશ્કેલી રજુ કરતાં થોડા ખચકાટ સાથે મેં કહ્યુ, “ જ્યોતિ….. એ વાત તો બરાબર પણ ગઈસાલ ધંધામાં જે દેવું થયું છે એ પતી જાય પછી….”

પણ પછીની એની સત્તાવાહી “ના” આગળ હું કંઈ બોલી ન શક્યો!

મારું દેવુ પુરુ કરવાની જવાબદારી જ્યોતિએ લઈ લિધી અને હું નિવૃત થવાનો મુડ બનાવવા લાગ્યો.

મનમાં હવે હું દુનિયાથી કંઇક અલગ કરી શકીશ એવી ઈચ્છાઓ ફરી આકાર પામવા લાગી. વિચારોના ઘોડાને ક્યાં લગામ હોય છે…. કવિતઓ, ગઝલ, વાર્તાઓ, નવલકથાઓ…. ખુબ લખવું છે ને એ પણ દુનિયામાં કોઇએ ના લખ્યું હોય એવું અને જગતમાં નામ બનાવી ને જ મરવું છે. આમ જાણે વિચારો ને પાંખ ફુટી!!!
——————————————————————————————-
આજે જ્યોતિની કોલેજકાળની સહેલી રીટા ઘણાં વખતે અમારા ઘેર આવી છે એટલે અમારા શ્રીમતી આજે ખુબ ખુશ છે…. અને એ ખુશ હોય એ દિવસનું છાપામાં વાચેલું મારુ રાશિ ભવિષ્ય પણ બદલાઈ જતું હોય છે, હા..હા.. જ્યોતિષિઓ ખોટા પડે છે અને મારો આખો દિવસ સારો જાય છે!
એની…વે…. રીટા પણ જ્યોતિ ની જેમ સરકારી નોકરી કરે છે. ડાયવોર્સિ છે એટલે અમારા મેડમ કરતાં સ્વતંત્ર. અલિ….બલી….ટલી….ની બન્ને બહેનપણીઓની આડીઅવળી ઘણી વાતો ચાલી.

પછી અચાનક રીટાનું ધ્યાન જ્યોતિ ના ચહેરા પર ગયું, “ અલી….તેં કેમ કંઈ ગળામાં પહેર્યું નથી અને તારા સોનાના એરિંગ ક્યાં ગયા? હાથમાં બંગડી પણ નથી!”

અત્યાર સુધી એ લોકોની વાતો પર બહુ ધ્યાન આપ્યા વગર હું ટી.વી. પર મારો મનગમતો કાર્યક્રમ નિહાળી રહ્યો હતો…ત્યાં રીટાનાશબ્દો મને મિસાઇલની માફક વાગ્યા, અંદરથી હું ખળભળી ગયો.

મારી મન:સ્થિતિ પામી જતાં જ્યોતિ સિફતપુર્વક રીટાને વાતો કરવા બેડરૂમમાં લઈ ગઈ.

મારા મનને થોડી રાહત થઈ. પણ શંકાએ માથુ ઉંચકવાનું ચાલુ કર્યું. “ પેલી મારી બૈરીને આડુઅવિળુ કંઈ ભરમાવે નહિ તો સારું.” એકવાર તો મન પણ થયું કે લાવ એ લોકોની વાતો સાંભળુ,પણ સારુ ન લાગે એમ સમજી બેસી રહ્યો.

——————————————————————————————–
નિવૃતિનો નિર્ણય લિધાને આજે બે મહિના વિત્યાં હતા, હું ધંધો લગભગ આટોપીચુક્યો હતો થોડું ઘણું જે કંઈ બાકી હતું
એ મારો દિકરો પ્રથમેશ એની આવડત મુજબ બંધ કરવાના પ્રયત્નોમાં લાગ્યો હતો. કારણ એ પોતાના કોમ્યુટરના બિઝ્નેસમાં ખુશ હતો આમે ય પ્રથમને મારા ધંધામાં બહુ લેવા દેવા નહોતી. હવે હું આ નિવૃતિના સમયનો કેવીરીતે ઉપયોગ કરવો એના આયોજનમાં પડ્યો હતો.

આજે મારી તંદ્રા ચા ના ટિપોય પર ‘ખણીંગ’ આવાજ સાથે મુકાયેલા કપના અવાજ સાથે તૂટી.

કપનો ખણીંગ….. અવાજ મને ઘણું બધુ કહી ગયો! આ અવાજ ગુસ્સો, રિસ, નારાજગી, નફરત એક સાથે મારા પ્રત્યેની બધી જ નકારાત્મક લાગણીઓનો જાણે હુમલો હતો. આવનારા તોફાનને હું પામી ગયો. એ પણ સમજી ગયો કે

આ ગઈકાલની રીટા સાથે થયેલ મુલાકાતની અસર છે.

હું વાકબાણોને ઝિલવા મારી જાતને તૈયાર કરી રહ્યો હતો. ક્યાંય કંઈ ઉગ્રતા પ્રદર્શિત ન થઈ જાય એ વાતનું સભાનતા પુર્વક મારે ધ્યાન રાખવાનું હતું. કારણ હવે હું નિવૃત હતો.

એક ધ્રુજતા કર્કશ અવાજમાં પ્રથમેશ ને સુચના અપાઇ રહી હતી, “ બકલા……કહી દે તારા પપ્પાને હું કંઈ આખી જિંદગી એની ગુલામ બનીને રહેવાની નથી.”

પછી મુખ્ય ખંડમાં આવી મને ઉદ્દેશીને તાડુકીને જ્યોતિ બોલી, “ આખી જિંદગી આ ઘરમાં મેં જે ભોગ આપ્યો છે, એવો કોઈ બૈરી ન આપે…. તમારા મા-બાપને સાચવ્યાં, દિયરના છોકરાને પણ મોટા કર્યાં, આજે જ્યારે શાંતિથી જીવવાનો વખત આવ્યો ત્યારે તમે લોહી પીવા ઊભા થઈ ગયાં”
કહી લગભગ રડવા લાગી.

હું જરા શાંત સ્વરે એને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો, “ જો ધંધામાં કોઈ વખત નુકશાન જાય એમાં આટલાં ગુસ્સે થવાની જરુર નથી.”

મારો હાથ એક ઝટકાથી દુર કરતાં થોડા વધુ પ્રબળ ગુસ્સા સાથે એ બોલી, “ એક વાત સાંભળી લો,
તમારે જે રીતે ધંધા કરવા હોય એ રીતે કરો… હવે હું આ ઘરમાં મારી કમાણીનો એક પણ પૈસો નહિ આપું… બહુ થયું…….. હવે સહન નથી થતું…. હું આ ઘર છોડી ને જાઉં છું. અને મારા ગિરવે મુકેલા ઘરેણાં પાછા નહિ આવે ત્યાં સુધી પાછી નહિ ફરું.”

કહી બેડરૂમમાંથી બેગ લાવી સટાક દઈ… બારણું બંધ કરી, બહાર નિકળી ગઈ! હું સ્તબ્ધ બની એને જતી જોઈ રહ્યો.
——————————————————————————————–

નિવૃતોની અવદશાની વાતો વાંચી, સાંભળી હતી. પરંતુ મારા જીવનમાં આટલી જલ્દી આવશે એ મેં નહોતું ધાર્યું. આજે જ્યોતિને ગયાને લગભગ એક મહિના જેવો સમય વિતિ ગયો. અત્યાર સુધીમાં હું મારી નિવૃત જાત ને ઘણા અનુત્તર પ્રશ્નો પુછી ચુક્યો છું.

આ લૌકિક દુનિયામાં “હું કોણ છું?” એ પ્રશ્નના ઉત્તરામાં મારી એક સમજ ચોક્ક્સ કેળવાઈ કે…….

આપણી આ સામાજીક દુનિયામાં આપણે નક્કી કર્યાં મુજબ ના “હું” ક્યારેય નથી હોતા,આપણી સાથે આપણી જાતને સ્પર્શતાં સબંધો…સંજોગો…પરિસ્થિતિઓ…વલણો….જ્યારે જ્યારે બદલાય ત્યારે ત્યારે “હું” બદલાતો રહે છે. એટલે ચલતી કા નામ જિંદગી સમજીને જીવતાં શીખી જવું જોઈએ.

નોંધ:- આ તદન કાલ્પનિક વાર્તા છે જે ઘણાં ના જીવનમાં બનતી હોય છે. વાર્તાને જીવંત બનાવવા મારી જાતને વાર્તા સાથે સાંકળીને લખવાની મને આદત છે.
લેખક:રાજુ કોટક (૨૪.૦૭.૨૦૧૩)
*****************************************************************************

“એક ભિખારી…………..”


લઘુ કથા-લેખક: રાજુ કોટક

વૈશાખી ગરમીમાં અમદાવાદની સડકો ઊના લ્હાય શ્ર્વાસો ભરી રહી હતી. સ્ત્રિ, પુરૂષ સ્કુટર અને બાઈક સવારો કાળઝાળ ગરમીથી બચવા મોં પર રૂમાલ કે દુપટ્ટો પહેરી કામે પહોંચવાની ઉતાવળમાં હતા. હું પાંચ દાયકાની મહેનતકશ જીવન સફર પૂરી કરી ચુક્યો હોઈ, એ.સી. કાર વહન કરી શકવાને સમર્થ હતો.એટલે ગરમી જરા મારાથી નારાજ હતી.

મારે વસ્ત્રાપુર લેકની બરાબર સામે આવેલ કાલુપુર કોમર્શિયલ બેંકમાં જવું હતું. પણ કારનું પાર્કિંગ બેંક સામે મળવું જરા મુશ્કેલ હતું. શોપિંગ સેંટરમાં આવેલા કાર પાર્કિંગ પ્લોટ પર ખાણીપીણીનાં પાર્લરોએ જાણે ગાર્ડન રેસ્ટોરંટ બનાવવાના અધિકારો મેળવી લીધાં છે, એટલે શોપિંગ કોમ્પ્લેક્ષમાંઓફિસ કે દુકાન ધરાવનારાઓ જ જ્યાં રસ્તા પર પોતાના વાહનો પાર્ક કરતા હોય ત્યાં મારુ શું ગજુ! તેથી મેં બેંકની બરાબર સામે લેકની ફુટપાથને અડીને મારી કાર પાર્ક કરવાનું નક્કિ કર્યું. હજુ હું કાર પાર્ક કરવા જાઉં છું ત્યાં……

“એક્સ્ક્યુઝ મી…સર..!” એક શિક્ષિત અવાજ મારા કાને પડ્યો.

મેં પાછળ ફરીને જોયું તો સુઘડ વસ્ત્રોમાં સજ્જ, વસ્ત્રાપુર લેકની ફુટપાથ પર, સ્વચ્છ શેતરંજી બિછાવી, એક યુવક બેઠો હતો. મને થયું કોઈ વસ્તુ વેંચતો હશે એટલે કદાચ ગાડી થોડી સાઈડમાં પાર્ક કરવાનું કહેતો હશે. કારણ આપણે પાર્કિંગ કરતાં હોઇએ ત્યારે બિલ્ડીંગનાં ચોકીદારો અને ફેરિયાઓ આપણાં પર આ રીતે હક્ક જમવતાં હોય છે.

પણ હું એને કંઈ કહેવા જાઉં એપહેલાં એ જ સ્ફુર્તિથી એ બોલ્યો, “સર, વાંધો નહિ હું આપની કારનું ધ્યાન રાખીશ…પણ મર્સિ ગ્રાઉન્ડ પર આપ મને કંઇ આપતા જ જો.”

હું જરા ખિજાયો, “ વોટ ડુ યુ મીન?”

થોડા વધુ નમ્ર સ્વરમાં એ બોલ્યો, “ સર, હું ભિખારી છું અને ભીખ માંગવી એ મારો હક છે.”

હવે મારો પીત્તો ગયો, “ અલ્યા, આટલો હટ્ટોકટ્ટો છે….”

ઉપરથી નિચે હવે મેં એને ધ્યાનથી જોતાં. “ શિક્ષિત પણ લાગે છે!”

પછીનું વાક્ય એનું હતુ, “ અને ભીખ માંગતા શરમ નથી આવતી?” “ આમ જ કહેવું છે ને સાહેબ?”

મને એના ચપળ પ્રતિભાવમાં વ્યાવસાયિક ચતુરાઈ દેખાઇ, હું જરા નરમ પડ્યો નેં કહ્યું,”હા”

“સર, બધા જ લોકો બધા જ ભિખારીને આવું જ કહે છે.”

“પણ એ ભિખારી કેમ બન્યાં એ જાણવાની કોઈ પરવા નથી કરતું!”

હવે મારી નજર એણે પાથારણાં પર ગોઠવેલાં, સુંદર અક્ષરોમાં પેઈંટ કરેલાં બોર્ડ પર ગઈ.
જેના પર લખેલું હતું:

ભીખ માંગવી અમારી મજ્બૂરી નથી, હક છે.
ભીખ આપવી આપની દયા નથી, ફરજ છે.

“ ઈન્ટરેસ્ટિંગ.” હું મનમાં બબડી ઊઠ્યો.

મારા વિચારને પામી જતો હોય એમ એ બોલ્યો, “ સાહેબ,ભિખારી કોમ્યુનિટી એટલી બદનામ છે કે આ બોર્ડ મુકવુ પડ્યું!”

એના વાક્ચાતુર્યએ મને તેની પાસે જઈ બેસવા મજબૂર કર્યો. મને આ માણસ ભિખારી બનવા માટે સર્જાયો નથી એવુ પણ લાગ્યું. પણ આ હક અને ફરજની વાત સમજાઈ નહિં.

ફરી મારા વિચારો કળી જતો હોય એમ એ બોલ્યો, “સર, હક એટલે કે અમારામાંના ઘણાં બધા લોકો સમાજ અને સરકાર દ્વારા નાસિપાસ થતાં હોય છે અને મારા જેવા સ્નાતક યુવાનો રોજગાર મેળવવામાં તરછોડાયેલાં હોય છે.”

“હવે તમે કહેશો કે કોઈ કામ કરો. પણ કોઈ કામ આપે તો કરૂં ને! ગ્રેજ્યુએટ થઈ અત્યાર સુધીમાં ૫૦ ઈન્ટર્વ્યું આપ્યા, અને ૧૦૦ થી વધુ રિજ્યુમ એપ્લિકેશન મોકલી, ત્યાં પણ લાગવગ- રિક્રુટરની આપણાં પગાર માંથી કમિશન મેળવવાની લાલચ અને સગાવાદના જોરે સિલેક્શન થાય છે.”

“અરે… સાહેબ હું મજુરી કે ઘરઘાટીનું કામ કરવા પણ તૈયાર થયો. પણ દેખાવે સ્માર્ટ અને શિક્ષિત હોવાના કારણે ત્યાં પણ કોઈ વિશ્વાસ રાખવા તૈયાર નથી. એવું કહી ને કે તમારા જેવા ભણેલાં ગણેલાંએ આવું કામ ન કરાય, કોઈ સારી નોકરી શોધો!”

“ સાહેબ, સમાજે મને સ્વિકાર્યો નહીં, એટલે ના છૂટકે મેં ભીખને જ એક વ્યવસાય તરિકે સ્વિકાર્યો.”

મેં સાશ્ર્ચર્ય પૂછયું, વ્યવસાય?”

“ સર, મને કોઈ કામ કરવામાં તો શરમ હતી નહિં, તેથી ભિખારીના વ્યવસાયનો ઊંડો અભ્યાસ કરી, ભીખ માંગવાની નવી નવી રીતો અજમાવી, આ વ્યવસાયમાં કેરિયર બનાવવાનું નક્કી કર્યું.”

ફરી અચરજ વ્યક્ત કરતાં મેં કહ્યું, “ ગજબ માણસ છે તું!” કંઈ ના મળ્યુ તો ભીખ!! અને એ પણ વ્યવસાયના રૂપ માં!!!”

મને એની વાત ખુંચી, જચી નહીં. હું ઊભો થઈ ચાલવા લાગ્યો.

“ સર, ના ગમ્યું તો કંઇ નહિ, પણ મર્સી ગ્રાઉન્ડ પર આપની ફરજ તઓ બજાવતા જાઓ.”

ભલે હું એનાથી નારાજ થયો પરંતુ અજાણતાં પણ એની ભીખ માંગવાની રીત મને સ્પર્શી ગઈ!

અને જતાં જતાં એની સામે પણ જોયા વગર હું કહેતો ગયો, “ ફરી ક્યારેક.”

મારા વાક્ય પછી શરૂ થતું એનું વાક્ય મારા કાને અથડાયુ “ બસ સાહેબ, આપની જેમજ ભિખારીમાં પણ લોકોને વિશ્ર્વાસ નથી બેસતો…પણ આ મારો સ્વતંત્ર વ્યવસાય છે હું ડેવલપ કરીને રહિશ.”
*******************************************************************************************************************

આજે હું અને મારી પત્નિ જ્યોતિ કાળુપુર કોમર્શિયલ બેંકની વેઇટિંગ સીટ પર બેસી, હોમ લોનનું ફોર્મ ભરી રહ્યાં હતા. અમારી ચર્ચા દરમિયાન વાતને એ પામી ગયો હશે તેથી બોલ્યો,

“ગુડ મોર્નિંગ સર, બહુ દિવસે દેખાયા? ત્રણ મહિનાં થઈ ગયાં!”

“હં.” આ વખત મેં ટૂંકો જવાબ આપી ભિખારી સામે ઉપેક્ષિત દ્રષ્ટિ કરી એને ટાળવાની કોશિશ કરી.

પછી એક વેધક પ્રશ્ન, સૂચક દ્રષ્ટિ કરી એણે પુછયો, “ સર, ખોટું ના લગાડો તો એક વાત પૂછું?”

હવે જ્યોતિએ મારા સામે જોઈ ઇશારાથી પુછ્યું, ”કોણ છે આ?”

હું કંઈ કહેવા જાઉં એ પહેલાં પેલાએ સીધો સટીક જવાબ આપ્યો, “ભિખારી.”

જ્યોતિનો ભિખારી પણ મને ઓળખે છે એ મતલબ નો અણગમો, મને જરા ક્ષોભ પમાડી ગયો!

પણ પેલો તો ચાલુ જ રહ્યો, “ડોન્ટ વરી સર, હજુ અમારા પ્રોફેશનને સમાજમાં સ્થાન મળતાં વાર લાગશે.”

હવે મારાથી ન રહેવાયું, “તું અહિં પણ….”

મારી વાત કાપતા એ બોલ્યો, ” ભીખ માંગવા નથી આવ્યો સર, આ બેંકમાં મારુ ખાતુ છે, પૈસા જમા કરાવવા આવ્યો છું.”

પછી જતાં જતાં કહેવા લાગ્યો, “ સર, ઈફ યુ ડોન્ટ માઇન્ડ, તમે પણ લોન લો જ છો ને, હો પૈસા માંગો જ છો ને. પણ અમે માંગીએ એને ભીખ કહેવાય!”

એક તો અપમાન અને એ પણ જ્યોતિના દેખાતાં, હું ઊભો થઈ લગભગ બરાડી ઊઠયો…..

હેય…. માઇન્ડ યોર લેન્ગવેજ અમે લોન લઈએ છીએ તો વ્યાજ સહિત રિફંડ પણ કરીએ છીએ.”

પછી ગુસ્સામાં હાથ ઉ ગામી હું એને મારવા જતો હતો ત્યાં જ્યોતિએ ઉભા થઈ મને રોક્યો.

હું બબડ્યો, “ સા…લા… ભીખ સાથે આ વાત ને ના સરખાવ.”

કોઈપણ તિવ્ર પ્રતિભાવ આપ્યા વિના એ તો એ જ ખુમારીથી બોલતો રહ્યો.

“ સાહેબ… મને બતાવો કયો ભણેલો માણસ કાળી મજુરી કરે છે? તમે કદાચ એ.સિ. ઓફીસમાં બેસી, બિઝનેસ ટેકનિક અપનાવી પૈસા કમાતા હશો, કોઇ ધાર્મિક સંસ્થા પણ પોતાની ટેકનિક થી દાન માંગે જ છે ને, કરપ્શન કરનારો પણ જુદી જુદી તરકિબ અજમાવી પૈસાના તોડ કરે છે, અરે… મંદિરમાં ઇશ્ર્વર સામે થતી યાચના ભીખ નથી તો શું છે? અમારે પણ કોઇ ને કોઇ ટેકનિકનો ઉપયોગ કરવો પડે છે ત્યારે કોઈ ભીખ આપે છે, મહાશય….. અંતે તો સમાજ ના બધા લોકો યાચક જ છે, ભીખ માંગવાની રિતભાત કદાચ જુદી હોઈ શકે, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી વી ઓલ આર સેઈમ (સરખાં) હિયર.

ગુડબાય સર! કહી એ તો ચાલ્યો ગયો.

પણ મારા, જ્યોતિના અને બેંકમાં ઉભેલાં બીજા ગ્રાહકો ના મનમાં અનેક પ્રશ્નો છોડતો ગયો!”

સર્વ હક લેખકને આધિન લેખક: રાજુ કોટક(૭.૦૭.૨૦૧૩)

“ઠાકુર કહિન”


“ઠાકુર કહિન”
ટૂંકી વાર્તા લેખક: રાજુ કોટક

બિહારના કટિહાર જિલ્લાના પરગણાના એક નાનકડા કસબા પિપરામાં ગાઢ અંધકાર પાથરતો રાત્રિનો ઓછાયો, ક્યાંક ઝાડ પરથી રેલાતા ઘુવડનાં કર્કશ અવાજો ને શિયાળવાની ચીસો વાતાવરણને વધુ ઘેઘુર બનાવે છે. ગામના મુખ્ય આગેવાનની હરોળમાં જેમનુ નામ લેવાય છે એવા ઠાકુર બદ્રિપ્રસાદના ઘરમાં આછાપ્રકાશની ઝાંયમાં એક ગંભિર મહોલ ધીમે ધીમે ઊગ્ર રૂપ ધારણ કરી રહ્યો છે. કડક,સત્તાવાહી અવાજના માલિક ઠાકુર બદ્રિપ્રસાદનો પડ્યો બોલ ઝિલવા નાનામોટા સહુ ટેવાયેલાં છે

ત્યારે ગામની કોળી કોમની બાઇ ભાગી… ઠાકુરના વેણનો અનાદર કરવા જાય છે ત્યાં બદ્રિપ્રસાદનો ગુસ્સો આસમાને પહોંચે છે,

હાથમાં ની સીસમની વોકિંગ સ્ટિક ભાગી સામે ધરતાં ગુસ્સામાં લાલચોળ ઠાકુર અત્યાર સુધી રોકી રાખેલ મર્યાદા ઓળંગતા, “ ઓય….કમજાત, તોહરી હિંમત કૈસન હુવી હમાર બાત ટાલન કી?”

“ સસુરિ…ઈહ કામ કરન વાસ્તે હમ તોકા તોહરી ઔકાત કે તહેન રકમ દેવે..મુફતમેં નહિં કરવાલ….”

ભાગી હાથ જોડીને દયામણા ચહેરે આજીજી કરવાનું ચાલુ રાખે છે.

“માલિક મોરિ કોઈ ઓકાત નાહિ કી મય સરકાર કા હુકમ ટાલુ, ઈહ તો માલકિન કા ફરમાન હોવે.”

ઠાકુર હવે હાથમાંની લાકડી પછાડતો ઠકુરાઇનના કક્ષ તરફ ઝડપભેર આગળ વધતાં, બબડે છે.

“ઈકા કબહિ સે……… હરસાલ પેટમેં લૌંડીયા પાલત હૈ ઔર કમબખત ફરમાન કરન લગહિ!”

ઠાકુર એની પત્નિના પલંગ પર લાકડી પછાડતાં, “ એય…..ઠકુરાઈન…સુન લે ગૌરસે હમ તોકા લોંડીયા જનને કા વાસ્તે નહિ બિહાયો સમજી…..”

એક મોટી ગાળ આપતાં, “માદર….. હરસાલ પેટ ચઢાકર…. બચ્ચિયાં નિકાલેગી તો ઉકા લાલન-પાલન, દહેજ કા લાગાન કૌન……. તેરા બાપ ભરી!!”

પછી ભાગી તરફ ફરતાં ગુસ્સામાં, “ઓય…. ભાગી ઊઠાઈ લે લૌંડીયા…ઔર ટકરા દે સામણી દિવારપેં….. ખતમ કર કિસ્સા…. નાહિ તો તોહાર કિસ્સા ખતમ હુઈ જાવેત”

દાયણ ભાગી માલકિનની સામે દયામણી નજરે જોઇ રહે છે.

હવે ઠકુરાઈન, હમણાં જ દાયણ ભાગીના હાથે તાજી જન્મેલી, દિકરીના આડે હાથ રાખતાં ચોધાર આંસુએ રડતાં ઠાકુરને વિનંતિ કરે છે.
“ઠાકુર… હમકા માફ કરી, કિ ઇહ બાર હ્હો બિટિયા… હુવી, પર ઇહમેં મેરે અકેલે કા દોષ ના રહે. આપકા ભી….”

આ સાંભળી આગબબુલા થતો ઠાકુર જોર થી ઠકુરાઈનના હાથ પર લાકડી ફટકારે છે.
“કુતિયા….. અબહ મેરી મર્દાનગી કો લલકારે, તેરી માં કી……. કમજાત……”

કહી ઠકુરાઈનના પેટ પર જોરથી લાત મારતાં કણસતી ઠકુરાઈન….જમીન પર પટકાય છે.

પછી એક મિનિટનો પણ વિચાર કર્યા વિના બદ્રિપ્રસાદ……માસુમ બાળકી ને ઉઠાવી સામેની દિવાર પર પટકે છે.

ઠકુરાઇન અને ભાગીના મોં એ થી ચિત્કાર નિકળે છે. લોહિના ખબોચિયાંમાં તરફડ્તી માસુમિયત દુનિયામાં આવતાં પહેલાં જ પ્રાણ છોડે છે.

ઠાકુરના ચહેરા પર ક્રોધ…આતંક અને ખોફ મિશ્રિત ભાવ સ્પષ્ટ વર્તાય છે.

ઠાકુર ઝડપભેર ભાગીને વાળથી ખેંચી, “ દેખ….દાયન, ઇહ કામ કા કોનો પતા ના ચલે….. નાહિ તો તુ અચ્છી તરા સે સમ્જે હૈ તોકા કા હાલ હોહિ….ચલ લૌંડીયા કો ઠિકાને લગહિ.
લેખક: રાજુ કોટક

મિત્રો,

આજે (૨૩.૦૬.૨૦૧૩)ગુજરાત સમાચાર રવિપુર્તિના 8 માં પાના પર પ્રસિધ્ધ થયેલ લેખ “ બિહારમાં દાયણો કતલખાના ની ગરજ સારે છે” મારા અસ્તિત્વને હચમચાવી ગયો! જેનાથી પ્રેરિત થઈ હું ટૂંકી વાર્તા લખી બેઠો.
અહી મને એક પ્રશ્ન થાય છે કે બિહાર- નિરક્ષરતા, રૂઢિવાદ, દહેજપ્રથા જેવા અનેક દુષણોથી ખદબદતો પ્રદેશ છે. (જે આપને આ લેખ વંચવા થી પ્રતિત થશે.) તો ભિખારી દેશ ના શાષકો કયા મોંઢે, એક વિકાસશિલ પ્રદેશ ના શાષકનો વિરોધ કરતાં હશે??!! એ જ સમજતું નથી. આવો કોઈ વિરોધ કરતાં પહેલાં આવા શાષકોએ જેનો વિરોધ કરવાનો છે એના એટ્લીસ્ટ સમકક્ષ તો બનવું જ જોઈએ.

“મિલિન્દ તું પણ…..!”


ટૂંકી વાર્તા by Raju Kotak

“તું જ કહે માલતિ ક્યાં સુધી હું મારા મનને મારીને, જાત સાથે સમાધાન કરતી રહું?” પૂજાના આ વાક્યમાં માલતિએ આજે પહેલીવાર નિ:સહાયતા વ્યક્ત થતી જોઇ. સહુને આશ્ર્વાસન આપનારી પૂજા આજે ખુદ પોતાના પ્રોબલેમથી તૂટી ચૂકી હતી. અને વાત પણ સાચી હતી.

માલતિ સમજાવવા નો પ્રયત્ન કરે છે, “પૂજા, જો હું તારી સાથે કોઈ પોકળ દલીલો કરી તારી મુશ્કેલીને વધારવા નથી માંગતી કે હું તને એમ પણ નહિ કહું કે બીજી સ્ત્રિઓની માફક તું પણ બગાવત કર.”

પૂજા પોતના અભિપ્રાયમાં અડગ છે “ના, માલતિ. હું બગાવત તો હરગીઝ નહિ કરું.”

પૂજા લાચારી વ્યક્ત કરતાં કહે છે, “પણ મને દુખ એ વાતનું છે કે મેં જે વ્યક્તિ પર ભરોસો કરી,માત્ર એના જ આધારે આખી જિંદગી હોડમાં મૂકી જીવી જવાનો નિર્ધાર કર્યો હતો. આજે એ જ આધાર પાંગળો નિકળ્યો! નિરાધાર નિકળ્યો!”

પૂજાથી અનુભવમાં મોટી માલતિ નિશ્ર્ચિત્ત વાત ઉચ્ચારે છે, “જો પૂજા હું તને ડિસઅપોંઈટ કરવા નથી માંગતી…પણ એટલું ચોક્કસ કહીશ કે આ વાતને ઊગતિ ડામવી જોઇએ. કારણ પુરુષને જો એકવાર પરાયી સ્ત્રિની આદત પડી જાય ને તો જલ્દી ન છુટે. નશા જેવું છે.”

પૂજાને માલતીનું આ વાક્ય સચોટ હોવાછતાં કોણ જાણે કેમ પોતાની જાત માટે અસંગત લાગે છે, અને સીધો આક્રોશ ઠાલવતાં…

“શીટ યાર, મેં શું નથી આપ્યું મિલિંદને! અરે…જાનથી પણ વધારે ચાહ્યો છે મેં એને… માલતિ, તું જાણે છે લવમેરેજ છે અમારા…….! યુ નો, અમે ફુલ્લી એંજોય કરી શકીએ એ માટે ઈસ્યુ નહિ થવા દેવાના પાંચ વર્ષ સુધી પ્રિકોશન લેવાના છીએ. અને…અને…જેને તું સ્ત્રિનો નશો કહે છે ને માલતી, એ મારો માદક નશો તો મિલિંદની રગ રગમાં વહે છે…એ મારા નશામાંથી છુટે તો બીજે જાય ને! દોસ્ત, મારી ચેલેંજ છે મેં એને સેક્સના નશામાં એટલો તરબતર રાખ્યો છે કે એ સ્વપ્નમાં પણ આ કારણ ને લઈને ચલિત થાય જ નહિ. છતાંય…. બ્લડી…..” કહી પૂજાએ અત્યાર સુધી ખાળી રાખેલા આંસુઓ ના બંધ તુટે છે.

માલતિ,પૂજા ને પાણી નો ગ્લાસ આપતાં સાંત્વના આપવાની કોશિશ કરે છે. બધા ને હિંમત આપનાર પૂજાને હિંમત આપવાનું કપરું કામ આજે માલતિના શિરે આવી પડ્યું છે. કારણ પૂજા પાસે કોઇપણ ફ્રસ્ટ્રેશન નો ઉકેલ હાથવેંતમાં હોય. કિટી પાર્ટીમાં આવતી દરેક સ્ત્રિ અત્યાર સુધીમાં પોતાની અંગત સમસ્યાની વાત પૂજાને કહી ચૂકી છે. પૂજાને પોતાને છે એવા બીજી સ્ત્રિઓના ઘણા પ્રોબ્લેમસ પૂજાએ બખુબી સોલ્વ કર્યા છે. પણ પૂજા આજે પોતાની સમસ્યા માટે લાચાર છે. કારણ પતિને વશમાં રાખવાની હરેક કલામાં માહિર હોવા છતાં મિલિંદનું પરસ્ત્રિગમન પૂજાને ખટકે છે. ઘણાં મનોમંથન બાદ પણ પૂજાને એ વાતનો ઉત્તર નથી મળતો કે મિલિંદને સાચવવામાં એવી તો શું ખામી રહી ગઈ કે એને આમ કરવું પડ્યું! એટલે જ આજે પૂજા બધાં જ હથિયાર હેઠાં મૂકી પોતાની વ્યથાની કથા માલતિ સમક્ષ કરી બેઠી.

પૂજા એવી સ્ત્રિ છે કે એ કોઈપણ સમસ્યા નો ઊકેલ વિવાદ કે વિરોધથી નહિ પણ વિચાર-વિમર્શ થી લાવવામાં માને છે. પૂજા પતિની કોઇપણ હરકત માટે હમેંશા પોતાની ઉણપને જવાબદાર ઠેરવે છે. કારણ પુરૂષની ભ્રમરવ્રૃતિ ને કાબુમાં રાખવાનું અને પોતાનાપ્રત્યે આકર્ષણ બનાવી રાખવાનું કામ સ્ત્રિનું છે. પૂજા ઘણીવાર બીજી સ્ત્રિઓને ટીખળ માં કહેતી જોવા મળે છે કે……

“અલી આપણે, આપણા પતિઓને દિવસમાં એકવાર તો પુછવાનું જ કે…..”

તારામાં હું તને મળી જાઉં તો કહે જે,
પ્રાણમાં તારા શ્ર્વાસ બની જાઉં તો કહે જે.


પૂજા રિક્ષામાં બેસી પોતાના ઘેર જઈ રહી છે પણ મિલિંદની આ હરકતની વાત તેનો પીછો નથી છોડતી. એને એ જ સમજાતું નથી કે એક પ્રોફેસર કક્ષાનો વેલ એજ્યુકેટેડ, વેલ મેનર માણસ આવી સાવ સામાન્ય કક્ષાની સ્ત્રિ નિશાના પ્રલોભનમાં આવી કેવીરીતે ગયો!

પૂજાએ એને શું નથી આપ્યું, પૂજાએ મિલિંદ અને એના આખા ફેમિલીની કાળજી રાખવામાં કંઇ બાકી નથી રાખ્યું. દિયર કે નણંદના ઘરમાં તો ઘણીવાર મિલિંદની જાણ બહાર આર્થિક મદદ પણ કરી છે. મિલિંદની બધી જ આદતોને પૂજાએ સહર્ષ પોષી છે. પૂજા લોકોને એવું કહેતી ફરતી કે….

“પૂજામાં ઊણપ હોય તો મિલિંદમાં આવે ને!”

પણ આજે પૂજાના મિલિંદ વિષે ના બધા જ અભિમાન ઓગળી ગયાં! એક સફળ પત્નિ તરીકે પોતાની જાત અંગેનું ગૌરવ પણ ઓગળતું લાગ્યું!

આજે પૂજાએ મિલિંદ સાથે આ વાતનો ખુલાસો કરવાનું નક્કી કર્યું. સદ્ ભાગ્યે મિલિંદ ઘરે જ હતો.

પૂજા ઘરમાં પ્રવેશી પહેલાં સડસડાટ બેડરૂમમાં ગઈ. નાહવાનો કોઈ મૂડ ન હતો. પરંતુ ગુસ્સાને ઠંડો કરવા શૉવર નીચે તનને ઢીલું કરી, પલળવા દીધું! પણ પાણી ની ભીનાશ આજે મનની આગને ઠારવા પર્યાપ્ત ન હતી.

આજે પૂજાએ સહુ પ્રથમ વખત મિલિંદ સાથે પ્રેમ સિવાયની કોઈ વાત કરવાની હતી. તેથી માનસિક તૈયારી કરવાની એને જરુર જણાઇ. વિપરિત પરિણામની આશંકાનો વિચાર પૂજાને ધ્રુજાવી ગયો! પૂજાને મિલિંદ પર માત્ર શંકા હોત તો તો ક્યારની એણે એ શંકાને નજરઅંદાઝ કરી હોત. પણ આ તો સાવ અંગત વ્યક્તિના આંખે દેખ્યા અહેવાલની વિગત! છટ…આ વિચાર માત્ર થી પૂજા થથરી ગઈ!

પૂજા હવે મક્કમ ડગલે ડ્રોઈંગરૂમમાં મિલિંદ તરફ આગળ વધી રહી છે.

મિલિંદે એને આવતી જોતાં જ લેપટોપમાં મોં રાખી પૂજાને કહ્યું, “ પૂજા આઈ એમ ઓન ફિનિશ્ડ, જસ્ટ અ મોમેંટ આઇ ટોક ટુ યુ.”

“મિલિંદ બધું ફિનિશ થઈ ગયું ત્યાં સુધી મને ખબર જ ન પડી!!” પૂજાએ સટીક વાત કરી.

અણધાર્યા આક્ર્મણથી સાશ્ર્ચર્ય મિલિંદ પૂજા તરફ ફરી કંઇ કહેવા જાય છે ત્યાં જ ઘરની ડોરબેલ રણકી ઊઠે છે. ક્ર્મ મુજબ ઘરનો નોકર દરવાજો ખોલી કામે વળગે છે.

આગન્તુક નિશા… આનંદના અતિરેકમાં, પૂજાની મોજુદગીથી અજાણ, એ સીધી મિલિંદ પાસે પહોંચી વધામણી આપી….હાથમાંનું મિઠાઈ નું પૅકેટ આપતાં બોલે છે, “ સર ટુ ડે આઈ એમ સો હેપ્પી કોઝ ટુ ડે આઈ હેવ ફિનિશ્ડ માય થિશિસ..!” કહી પગે લાગી આશિર્વાદ લે છે.

પૂજાપહેલાં તો નિશાની આમ અચાનક એંટ્રીથી ડઘાઈ જાય છે. પછી બનેં ના વાર્તાલાપ પરથી એમના સબંધો ને કળવા મથે છે.

પૂજાના મનોમંથનને તોડતાં મિલિંદ નિશાની ઇંટ્રો કરાવતાં, “ પૂજા, મિટ મિસિસ નિશા દલાલ… હમણાં જ એક રૅર વિષય પર નિશાએ થિશિસ પૂરી કરી, અને એ વિષય માટે હું એનો ગાઈડ હતો.”

મિલિંદના આ એક જ વાક્યથી અત્યાર સુધી તાળવે ચોંટેલો પૂજાનો શ્ર્વાસ હેઠો બેઠો.

મિલિંદને સિધો પ્રશ્ન કરતાં પૂજાએ કહ્યું, “ ટેલ મી વન થિંગ મિલિંદ, આજ સુધી આપણી વચ્ચે કોઈ વાત આપણે એકબીજાથી છાની નથી રાખી તો નિશાને તમે ગાઈડ કરો છો એ કેમ ન કહ્યું?

ચાળીશી ચશ્મામાંથી પૂજા તરફ વેધકનજર કરતાં મિલિંદે કહ્યું, “ નાઇસ ક્વેશ્ચ્યન પૂજા, પણ હું થોડો કંફ્યુશ્ડ હતો કોઝ નિશાની થિશસ નો વિષય જ કંઇ એવો હતો.”

હવે બધી જ મર્યાદાઓ અને વિમાસણ તોડતાં નિશા જ વાત ની સ્પષ્ટતા કરે છે, “ મૅડ્મ… મારી થિશિસ નો વિષય છે “ વત્સ્યાયનનું કામસુત્ર, પુરૂષની નજરે…” અને શક્ય છે સરને આ વિષય મને શિખડાવવા માટે આપ અનુમતિ ન પણ આપો.”

પૂજા સાશ્ર્ચર્ય, “ મિલિંદ તમે….આપણી અંગત વાતોનો ઉલ્લેખ તો….”

મિલિંદ વાત વચ્ચેથી કાપતાં, “ પૂજા….ખરેખર તો કામસુત્રને પતિ માટે તું જેટલું સમજી શકી છો મને નથી લાગતું દુનિયાની બીજી કોઇ સ્ત્રિ સમજી હોય, પતિને વશમાં રાખવાની તારી કળા બેનમૂન છે.”

સાંભળી પૂજાના ચહેરા પર એક ખુશવંત શરમનો શેરડો પડે છે.

મિલિંદ નિશા ને કહેતાં, “ નિશા,આજે પૂજાની પ્રેઝ્ન્સમાં તું ન આવી હોત તો તને ક્યારેય ખબર ન પડત કે હકિકતમાં તો આ વિષયને સચોટ રૂપ આપવામાં પૂજાનો ફાળો કંઈ નાનોસૂનો નથી!”

સાંભળી નિશા પૂજાના આશિર્વાદ લેવા નિચી નમે છે. “ થૈંક્ષ અ લૉટ મૅડમ.”

પૂજા નિશાને પ્યારથી બન્ને ખભા પકડી ઊભી કરતાં પુછે છે, “ નિશા મને એક વાત નો જવાબ આપ તેં આ જ વિષય કેમ પસંદ કર્યો?”

“મૅડમ, હું જાણું છું કે આ વિષય પર કામ કરવું કપરું છે, પણ આપણા સમાજમાં લગ્નવિચ્છેદ કે લગ્નેત્તર સબંધો માટે મહદઅંશે પુરૂષનેજ જવાબદાર ઠેરવવામાં આવે છે. પરંતુ પુરૂષની લાગણી ને સમજીને, તેની જરૂરિયાતો સમજીને તેને અનુરૂપ થવામાં આવે તો મને લાગે છે કે ઘણાં ઘર તુટતાં બચી જાય!”

પોતાનાથી લગભગ દસ વર્ષ નાની નિશાની વાતમાં પતિ પત્નિના સબંધનું અત્યંત બારિકી નિરિક્ષણ સાંભળી પૂજાને નિશા માટે માન ઉપજે છે!!!

રાત્રે બેડરૂમમાં મિલિંદને પોતાની આગોશમાં સમાવી તેની ઝુલ્ફોની લટને રમાડતી પૂજાથી પુછ્યા વગર ના રહેવાયું, “ મિલિંદ મને એક વાતનો એકદમ સાચો ઉત્તર આપો.”

મિલિંદ પૂજા સમક્ષ માત્ર મદહોશ નજર કરી ડોકી નિચે થી ઉપર તરફ ધુણાવે છે.

મિલિંદના ગાલ પર આંગળી ફેરવતાં પૂજા સવાલ કરે છે, “નિશાને આ વિષય શિખવાડતી વખતે તમારા મનમાં કયારેય આવેગ ન જાગ્યો?”
મિલિંદ પ્યારથી પૂજાના મુલાયમ ગાલ ને ચૂમતાં, “જાન… હું તારા નશામાંથી છુટું તો બીજે ધ્યાન ખેંચાય ને! તેં મને સેક્સના નશામાં એટલો તરબતર રાખ્યો છે કે હું સ્વપ્નમાં પણ આ કારણ ને લઈને ચલિત ન થાઉં. કહિ પૂજાને બાહોંમાં ખેંચી એકદમ ટાઈટ હગ કરે છે.

લેખક: રાજુ કોટક તા: ૨૬-૦૫-૨૦૧૩ (સર્વ હક્ક લેખક્ને આધિન)

“મિઠડી” ટૂંકી વાર્તા


“મિઠડી” ટૂંકી વાર્તા By: Raju Kotak
ફેસબુક પર સંજનાનો પ્રોફાઈલ ફોટો ઝુમ ઇન કરી આજે હું તેની સાથે વાત કરતો કરતો બબડી રહ્યો હતો
એય… મિઠડી… તારી એ મસ્તીખોર મજાક મારે મન સંવેદનાનું ભાથું બની ગઈ! ખબર છે તે દિવસે તેં મને મોબાઈલ પર કહેલું “રાજી….આવો ઘરે હું ઘેર જ છું” હા, ફોન પર પ્રેમ થી તું મને રાજી કહેતી અને હું તને મિઠડી. પણ આપણે કદી રુબરુ મળ્યા નોહતા. આ અણધાર્યુ આમંત્રણ મન માનવા કે શરીર ઝીલવા તૈયાર નહોતું. મનમાં આનંદ મિશ્રીત ખળભળાટ ક્યાંય સુધી ગુંજતો રહ્યો!
વિચારોનું ચકડોળ ફરવા માંડ્યુ…!!!
સંજના….. આપણી ફેસબુકી મુલાકાતને હજુ તો માંડ છ મહિના જેવો સમય વિત્યો હશે. એકબીજાને સમજવા આપણે રોજ ફેસબુક ના ચેટ બોક્ષને સ્પંદનો, સવાલો,અપેક્ષાઓ અને ફરીયાદોથી ભરી દેતાં! યાદ છે એક વખત હું બિઝી હોવાના લીધે બે દિવસ સુધી તારા સંપર્કમાં રહી નહોતો શક્યો, પછી તો તારી જિદ, ગુસ્સો, શંકા બધા મને એક સમટાં ફરી વળેલાં અને તેં બે દિવસની સામે ચાર દિવસ મારી સાથે અબોલા લિધેલાં. બસ, ત્યારે મને આપણા સબંધનાં ઊંડાણનું ભાન થયેલું…. અને હું સમજી ગયો હતો કે તને પણ મારી જેમ….

મારા વગર તને ચાલતું નથી, ચાલે છે પણ તને સાલતું નથી.
આવા તો કેટલાંય સ્પંદનોએ આપણાં જીવન ના છ મહિનાને આનંદથી છલકાવી દિધાં છે. મીઠડી…મળ્યાં વિના પણ લાગણી નો આ અહેસાસ આપણી વિચાર્શ્રુંખલાને સપનાઓથી ભરી દેવા પર્યાપ્ત હતો. પણ આજે તો તારા આમંત્રણે મારામા અનેરા ઉત્સાહનો સંચાર કર્યો. તને રુબરુ મળવાના વિચારથી મન અગણિત લાગણીઓથી અંકુરિત થયું.
તેં કહેલું તું તારા મમ્મી સાથે રહે છે અને તારા મમ્મી તારી વાતે ખુબ પઝેસીવ છે. સતત તારી જ ચિંતા અને તારા જ વિચારોમાં રહે છે. તેથી હું મારી જાતને તારા મમ્મી સમક્ષ કેવીરીતે પેશ આવવું એની તૈયારી કરવાનું મનોમંથન કરવા લાગ્યો. અને તું……. મિઠડી તું તો આટલાં વખતમાં મારી સાથે એટલી તો હળી ગઇ હતી કે મારે તારી સાથે વર્તવા કે વાત કરવા, શબ્દો કે શરારત ગોતવાની જરુર નહોતી.

બસ, હવે બાકી શું હતું નક્કી કરેલાં સમયે અને સ્થળે હું પહોચ્યો અને તારા ઘરની કોલબેલ રણકાવી. મને થયું દરવાજો ખોલતાં જ આપણાં બન્ને ની આંખોમાં પ્રથમ વખત રુબરુ થયાનું ચમકીલું તારક રચાશે…સાથે સાથે ઉમટતી લાગણીઓને રોકવાની જવબદારી પણ નિભાવવી પડશે….પણ ત્યાં તો મારા વિચારોને ધક્કો લગાવી હડસેલતો દરવાજો ખુલ્યો! મને સમજતાં સહેજ પણ વાર ન લાગી કે દરવાજો ખોલનાર આ જાજરમાન સ્ત્રિ એ તારા મમ્મી જ છે. મેં ‘જયશ્રી ક્રિષ્ણ’ કહી અભિવાદન કર્યું! પછી તરત જ બોલાય ગયું ‘સંજના…..’
મમ્મી એ કહ્યું ‘હા..હા…આવો ને. અંદર આવો ભાઇ.’
વાહ! મિઠડી તારી મમ્મીનો અવાજ જાણે તને વારસામાં મળ્યો છે. અવાજમાં તારા જેવો જ મીઠો રણકો.
સોફા પર બેસવાનો ઈશારો કરતાં મમ્મીએ કહ્યું, ‘ ભાઇ,મારી સંજુમાં કોઇ વાતે કમી નથી, ભણવામાં કાયમ અવ્વલ જ હોય, રમતગમતનો, ગરબા ગાવા નો ય એટલો શોખ, કોલેજની હરિફાઇ હોય કે સોસાયટીના ગરબા ની કોમ્પીટીશન મારી સંજુ ઈનામ લાવે જ……..’
મારી નજર તારી મમ્મી ની બાજુમાં ગોઠવેલ કોર્નર ટેબલ પર સુંદર ફ્રેમમાં સજાવેલા તારા ફોટા પર ગઇ….એ જ ફેસબુક નો પ્રોફાઇલ પીક હતો જે રોજ હું જોઈ મનોમન તને ચાહવા લાગેલો! આજે મને તારા ફોટાની નહી તને રુબરુ જોવાની ઉત્કટ્તા હતી, મારા વિચારોની સાથે સાથે પશ્ર્ચાદભુમાં તારી મમ્મીની વાતો તો ચાલતી જહતી પણ મિઠડી મારું મન અને આંખો તો તને જ શોધતાં હતા. તારી મમ્મીની વાત પરથી એવું લાગતું હતું કે હું તને લગ્ન માટે જોવા આવ્યો છું. હું તને શોધવા અંદરની બાજુએ ફાંફા મારી રહ્યો હતો ત્યાં જ…..
એક રુમમાંથી વ્હિલ ચેર હંકારી ખુબસુરત યુવતિ ડ્રોઈંગ રુમ માં પ્રવેશતાં જ સીધી મમ્મી પાસે જઈ એક સત્તવાહી અવાજમાં મમ્મી ને કહેવા લાગી, ‘ મમ્મી…..તું મહેમાન સાથે વાતો જ કરતી રહીશ કે એમને ચા-નાસ્તાનું પણ પુછીશ?’
મમ્મી, યુવતિની વાતને અનુસરી રસોડા તરફ ગયાં.
હવે હું કંઇ પુછું એ પહેલાં જ પેલી યુવતિએ ઓળખાણ આપતાં કહ્યું, ‘ હું મેઘના, સંજનાની નાની બહેન…..આપ રાજુજી ને?’
મેં હકારમાં માથું હલાવતાં પુછ્યું ‘સંજના….?’
મેઘના ખિલખિલાટ હસીને બોલી, ‘ રાજુજી, દીદીને મળવાની બહુ ઉતાવળ છે ને કંઇ!’
મેં ક્ષોભમાં થોડું માથું ઝુકાવ્યું, ચંચળ ને ચાલાક મેઘના મારા ક્ષોભને પામી ગઈ મને જરા હળવો કરવા બોલી, ‘ તમે દીદીને મિઠડી કહો છો અને એ તમને રાજી રાઇટ?’ પછીનું એનું મોહક સ્મિત,, મિઠડી… તારી ગેરહાજરીમાં મને મોહી ગયું.
મૌન તોડતાં, ‘ પણ મેઘનાજી.. તમને આ બધી વાત….’
‘ દીદી એ જ કરેલી સ્તો! અને કવિશ્રી…મને ‘જી’ નહિ મેઘા કહેશો તો ચાલશે. હું પણ તમારી કવિતાઓની ફેન છું’
‘મારી ફેવરિટ કઈ કહું?’ મેં હકારમાં માથું હલાવ્યું.
મેઘાએ સિધો પ્રહાર કરતાં,’ બોસ તમે કવિતા લખવામાં તો શરમાળ નથી અહીં કેમ?’
હું કઈ બોલવા જઉ એ પહેલાં ‘ લિવ ઈટ, આઈ વોન્ટ ટુ સે માય ફેવરિટ.’
તારામાં એવું તે શું છે જે મારા જેવું છે,
જો ને પ્યાર જેવું કઈંક આપણા જેવું છે.
‘તમને ખબર છે આ રચના મેં વાંચી, એ દિવસે હું દસ વાર વાંચી ગયેલી. આઈ વોઝ મેડ ઓફ ઇટ રાજી….!!!!’
સ:આશ્ર્ચર્ય મેં પુછ્યું, ‘રાજી….!!??’ અને તેની આંખોમાં ઊત્તર શોધવા લાગ્યો.
પહેલીવાર મેં મેઘાની નજરથી નજર મેળવી તો મને લાગ્યું કે ‘ શું આ એ જ આંખોનું ઊંડાણ છે જે વાતોમાં છત્તું થતું હતુ!’ એની આંખોની વિહવળતા રીતસર એની લાચારીની ચાડી ખાતી હતી. હવે મેઘાની બે અણિદાર આંખો પર આંસુઓના પડ બઝ્યાં! તો ય મારા થી બોલ્યા વગર ન રહેવાયુ…..
‘શું તું જ મિઠડી…..!!??’ ‘ પણ શા માટે તેં આવું કર્યું?’ મારે એને ઘણાં પ્રશ્નો પુછવા હતાં પણ ત્યાં તો મેઘાની આંખોમાં રોકાયેલો અશ્રુ પ્રવાહ દડદડ વહેવા લાગ્યો. હું સ્તબ્ધ બની આ લાચાર, અપાહિજ યુવતિ ની વ્યથાને જોઈ રહ્યો. મિઠડી….તારી જ બહેન થી છેતરાયાનો વસવસો મને કોરી ખાતો હતો. મન તો થયું ઊભો થઈ સડસડાટ ઘરની બહાર નિકળી જાઉં. પણ તને મળવાની…તને જોવાની લાલસા મનમાં અક્બંધ હતી.
આંસુ લુછી સજ્જડ નયને એનામાં હતી એટલી બધી જ હિંમત એકઠી કરી મેઘના આખી વાતની કેફિયત કરવા લાગી કે…
‘એક વર્ષ પહેલાં કાર અકસ્માતમાં મિઠડી તેં જાન ગુમાવેલો અને મેઘનાએ પગ…! અને ત્યારથી તારા મમ્મી આઘાત ના કારણે સતત તારું રટણ કરવા માંડ્યા. તારી મમ્મી તું નથી એ વાત માનવા જ તૈયાર નથી! એને તો તારા લગ્ન કરવાના કોડ છે એટલે તો તારા ફોટા પર હાર પણ ચડાવવા દેતા નથી!’
મિઠડી તારા મ્રૃત્યુના સમાચાર મારા અસ્તિત્વને હચમચાવી ગયાં. પણ તેં ક્યાં મને પ્રેમ કર્યો હતો પ્રેમ તો તારી બહેને છળ કરી મિઠડી બની કર્યો હતો…આ વાતે મને ખળભળાવી મુક્યો! હું સફાળો ઊભો થઈ, દરવાજા તરફ ચાલવા લાગ્યો.
મારા મનોમંથનને પામી ગઈ હોય તેમ સ્વસ્થ અવાજે મેઘના બોલી, ‘ રાજી…’ મેં સહેજ ડોકું એના તરફ ઘુમાવ્યું. ‘ હું જાણું છું હું તમને રાજી કહેવાનો હક ગુમાવી ચુકી છું, પણ મેં તો તમને હમેંશ આ નામથી જ બોલાવ્યા છે, ભલે મેં મારી દીદી ના ફેસબુક આઈ.ડી. પરથી તમારી સાથે સમ્બંધ બાંધ્યો હોય અને આજે તમને છળ પણ લાગતો હોય. પણ આપણી વચ્ચે વિકસેલ એ લાગણીઓ….સમ્વેદનઓ….અપેક્ષાઓનું શું? શું એ જેમની તેમ ના રહી શકે? રાજી…દિલમાંથી નિકળી ને તમારા સુધી પહોંચેલા શબ્દોને હવે હું પાછા નહિ વાળી શકું, અને તમારી જ કવિતાના શબ્દોમાં કહું તો……..
લાગણી વહાવી છે મેં હવે સંકેલું કેમ?
પાણીની પેઠે છે એ હવે વાળું કેમ?

રાજી…. હું મારી ચાલી નહિ શકવા ની લાચારીને આગળ ધરી તમને કોઈ બંધનમાં બાંધવા નથી માંગતી. ના તો તમારી પાસે કોઈ દયાની ભીખ માંગતી. બની શકે તો એટલું કરજો રાજી….. પાગલ ‘મા’ ના દુખને વેંઢારતી અને વહાલસોયી બેનડીના વિરહમાં રાચતી તમારી આ અપાહિજ મિઠડીને હુંફાળા શબ્દોનો સહારો આપજો, હું જીવી જઈશ.’
ફેસબુકના પ્રોફાઈલ પીકમાં દેખાતી સંજના આજીજી ભર્યા સ્વરમાં જાણે મને વિનવી રહી હતી.
“ રાજુજી, ભલે, અજાણતામાં તમે મને પ્રેમ કરી બેઠાં, પણ તમારી સાચી મિઠડી તો મારી છુટકી મેઘા જ છે.એને સાચવી લે જો પ્લિઝ.”

લેખક: રાજુ કોટક (૨૧.૦૫.૨૦૧૩)