લાગી આવ્યું…………!!!


આજ મુજને અમથે અમથું, કેમ અચાનક લાગી આવ્યું…

 

મન માંકડું, લાગણી વાદળી,

વરસે જ્યાં   ત્યાં અનરાધાર ,

પડી જ્યાં થપ્પડ વાવાઝોડી…તો અચાનક લાગી આવ્યું.

 

આજ મુજને અમથે અમથું, કેમ અચાનક લાગી આવ્યું…

 

સાવ સરાસર, લાગણી ભીનો,

કર્યો મેં  પ્રેમ,  વાસંતી  કેરો ,

પાન..ખરે જ્યાં ખબર પડી …તો અચાનક લાગી આવ્યું .

 

આજ મુજને અમથે અમથું, કેમ અચાનક લાગી આવ્યું…

 

ભરોસો મારા, ભાઈબંધ જેવો,

રાખી કરતો , સહુ  ના  કામો,

મિત્રો એ જ જ્યાં મારી લાત…તો અચાનક લાગી આવ્યું.

 

આજ મુજને અમથે અમથું, કેમ અચાનક લાગી આવ્યું…

 

સગાઓ સાથે, સુરતા સાધી,

ટાણે  પ્રસંગે,  આગળ કરતો,  

સ્વજને જ જ્યાં કર્યો અળગો…તો અચાનક લાગી આવ્યું.

 

આજ મુજને અમથે અમથું, કેમ અચાનક લાગી આવ્યું…

 

સાધવો મારે ઈશ્વર નો સાથ,

જવું  સિધાવી મોક્ષ  ને દ્વાર,

સાધુ એ જ્યાં ખોલી હાટડી…તો અચાનક લાગી આવ્યું .

 

આજ મુજને અમથે અમથું, કેમ અચાનક લાગી આવ્યું…

 

‘રાજુ’ રહે તું તારા અંતરમાં,

ના કરીશ કઈ આ જગતમાં,

મન દોડે જ્યાં બની ચલિત…તો અચાનક લાગી આવ્યું .

 આજ મુજને અમથે અમથું, કેમ અચાનક લાગી આવ્યું…………..રાજુ કોટક (૫.૦૪.૨૦૧૨)

 

Advertisements
By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગીત

કહો ગોરી તમે કિયા ગામ ના વરણાગી ….


ઢળકંતી ચાલે તમે જોબન ઉલાળી ગ્યા,
દિલડાં અમારા તમે શીદને ડોલાવી ગ્યા,
આંખના ઉલાળે તમે કામણ રેલાવી ગ્યા,
દિલડાં અમારા તમે શીદને વિંધાવી ગ્યા.

કહો ગોરી તમે કિયા ગામ ના વરણાગી ….

પલકારો પામી તમે પલ્લું સરકાવી ગ્યા ,
મનડા ના મોર તણા ટહુકા કરાવી ગ્યા,
શમણાની વાટે તમે ઓરતાં જગાવી ગ્યા,
દલડાં ના વચમાં દીવડા પ્રગટાવી ગ્યા ,

કહો ગોરી તમે કિયા ગામ ના વરણાગી ….

હૈયડાં ની હાટડી નો થડકારો ચૂકાવી ગ્યા ,
અંધારી રાતડીનો સુનકારો ઘમરોળી ગ્યા,
અંગીઠીનો ભડભડતો અંગારો ઓલવી ગ્યા,
અધરો ને હુંફાળો ધબકારો અપાવી ગ્યા.

કહો ગોરી તમે કિયા ગામ ના વરણાગી …………….રાજુ કોટક (૨૫.૦૩.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગીત

આવ આપણે આભાસી ઘર બનાવીએ,


આવ આપણે આભાસી ઘર બનાવીએ,
લાગણીના તોરણે બારણા સજાવીએ.

સ્મિત કેરા સાથીયા ની રંગોળી પૂરીને,
સ્વપ્ના ઓ નું આંગણ સજાવીએ…

આવ આપણે આભાસી ઘર બનાવીએ,
લાગણીના તોરણે બારણા સજાવીએ.

દુઃખ અને નિરાશાના કચરા ને કાઢીએ ,
ઘર આપણું હવે સુંદર બનાવીએ.

આવ આપણે આભાસી ઘર બનાવીએ,
લાગણીના તોરણે બારણા સજાવીએ.

ઉગમણે બારણે અપેક્ષાઓને ખંખેરી ,
આશાઓં ના સો સો દીપક પ્રગટાવીએ.

આવ આપણે આભાસી ઘર બનાવીએ,
લાગણીના તોરણે બારણા સજાવીએ.

અરમાની કિરણો ને હેતે આવકારીને,
ઘર ના ખુણાઓ આવ રોશન કરીએ.

આવ આપણે આભાસી ઘર બનાવીએ,
લાગણીના તોરણે બારણા સજાવીએ.

આસ્થા કેરા લીપણે લીપી દીવાલો ને,
ભરોસાની ઇટને મજબુત બનાવીએ.

આવ આપણે આભાસી ઘર બનાવીએ,
લાગણીના તોરણે બારણા સજાવીએ.

જગ અટવાયું આ ઇટ પથ્થરો માં જો,
મન ના આ મેળ કેરો મહેલ બનાવીએ.

આવ આપણે આભાસી ઘર બનાવીએ,
લાગણીના તોરણે બારણા સજાવીએ……………..રાજુ કોટક (૨૩.૧૧.૨૦૧૧)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગીત