હું કોણ છું?…….. એક લૌકિક સવાલ!!!


લઘુ કથા લેખક: રાજુ કોટક

જીવનની શરુઆત એટલે માની લો ને કે યુવાની. સમજણ આવવાનું શરુ થાય એટલે જીવન કેવીરીતે જીવવું એ વિશેના વિચારો ધારદાર રીતે મનમાં ઉભરાવા લાગે, જિંદગીમાં કોઈ એ ના કર્યું હોય એવું એવું કરવાના વિચારો જાગે! જોશ તો એવો હોય કે કંઈક જુદુ જ કરી દુનિયામાં મારી અલગ ઓળખ ઊભી કરવી છે. પણ આપણાં સપનાઓનો કચ્ચરઘાણ આપણી એક જ ભૂલના કારણે થતો હોય છે અને એ ભૂલ કર્યાં વગર છુટકો ય નથી! હું આવું કંઇક વિચારતો હતો ત્યાં મારી ભૂલ મારી સામે ચા નો કપ લઈ ઊભી હતી…!
મારી પત્નિ જ્યોતિ ચા નો કપ ટિપોય પર મુકી મીઠો છણકો કરતાં, “ લ્યો હવે વિચારવાનું બંધ કરી ચા પી લો. ઠંડી થઈ જાશે.”

એ ય મારા વિચાર વાયુથી સુપેરે પરિચિત હતી. વિચારોથી પેટ ના ભરાય એવું જ્યોતિનું માનવું હતુ. અને એ ખોટુ પણ નોહતું, એ આજે મને સમજાય છે. ખાલી લેખક તરીકે મેં કેરિયર બનાવી હોત તો કદાચ માંડ કુટુંબનું ગુજરાન ચાલતુ હોત અને સાયકલ નહી તો બહુ બહુ તો સ્કુટર કે બાઈક ચાલતું હોત, પણ આજે હોંડા-સીટી ચાલે છે એ તો ના જ ચાલતી હોત!

ત્યાં સુધીમાં તો જ્યોતિ મારી વિચાર તંદ્રાને તોડતી નિત્યક્રમ મુજબ શાકની ટોપલી લઈ, મારી સામે હિંચકા પર બેસી, મારા વિચારોની ડોર સંભાળે છે.

શાક સમારતાં શરુ કર્યું, “હું શું કહુ છું”

મન થોડુ બબડ્યું કે અત્યાર સુધી તેં કહ્યું એમ જ કરતો આવ્યો છું ને.

પછી એની વાત પર ધ્યાન આપવાની કોશિશ કરતાં, “હં…”

“ આખી જિંદગી તમે કુટુંબ માટે…..મારા માટે, છોકરાઓ માટે, ઘણું કર્યુ. જાત ઘસી નાખી હવે આરામ કરો. જુઓ હું તો નોકરી કરું જ છું, હવે તો સરકારી પગારો પણ સારા થઈ ગયાં છે અને દિકરો પણ કમાઈ લે છે….આપણે ઘરમાં છીએ ગણી ને ત્રણ જણ..!આટલી આવકમાં આરામથી આપણું સ્ટેટ્સ મેઇંટેન કરી શકીશું… ધંધામાં હવે કોઈ રિસ્ક ના લેશો ભઈસા’બ!”

મને સમજતાં વાર ન લાગી કે આખી વાતમાં મારુ ધંધામાં લેવાયેલું રિસ્ક ફોકસ થતું હતું. અને એની વાત ખોટી પણ ન હતી કે રિસ્ક ના કારણે ઘરનું બજેટ પણ અસ્તવ્યસ્ત થઈ ચૂક્યુ હતું. નિવૃત થવાની વાત પર પણ મને વિચાર કરવા જેવુ લાગ્યું. કારણ એક સામાન્ય નોકરી કરી કેરિયરની શરૂઆત કર્યા બાદ મારી મહત્વકાંક્ષા અને મહેનતે, મને અને મારા કુટુંબને સુખ સગવડનાં તમામ સાધનો ઉપલબ્ધ કરાવ્યાં હતાં.

છતાં પણ મારી મુશ્કેલી રજુ કરતાં થોડા ખચકાટ સાથે મેં કહ્યુ, “ જ્યોતિ….. એ વાત તો બરાબર પણ ગઈસાલ ધંધામાં જે દેવું થયું છે એ પતી જાય પછી….”

પણ પછીની એની સત્તાવાહી “ના” આગળ હું કંઈ બોલી ન શક્યો!

મારું દેવુ પુરુ કરવાની જવાબદારી જ્યોતિએ લઈ લિધી અને હું નિવૃત થવાનો મુડ બનાવવા લાગ્યો.

મનમાં હવે હું દુનિયાથી કંઇક અલગ કરી શકીશ એવી ઈચ્છાઓ ફરી આકાર પામવા લાગી. વિચારોના ઘોડાને ક્યાં લગામ હોય છે…. કવિતઓ, ગઝલ, વાર્તાઓ, નવલકથાઓ…. ખુબ લખવું છે ને એ પણ દુનિયામાં કોઇએ ના લખ્યું હોય એવું અને જગતમાં નામ બનાવી ને જ મરવું છે. આમ જાણે વિચારો ને પાંખ ફુટી!!!
——————————————————————————————-
આજે જ્યોતિની કોલેજકાળની સહેલી રીટા ઘણાં વખતે અમારા ઘેર આવી છે એટલે અમારા શ્રીમતી આજે ખુબ ખુશ છે…. અને એ ખુશ હોય એ દિવસનું છાપામાં વાચેલું મારુ રાશિ ભવિષ્ય પણ બદલાઈ જતું હોય છે, હા..હા.. જ્યોતિષિઓ ખોટા પડે છે અને મારો આખો દિવસ સારો જાય છે!
એની…વે…. રીટા પણ જ્યોતિ ની જેમ સરકારી નોકરી કરે છે. ડાયવોર્સિ છે એટલે અમારા મેડમ કરતાં સ્વતંત્ર. અલિ….બલી….ટલી….ની બન્ને બહેનપણીઓની આડીઅવળી ઘણી વાતો ચાલી.

પછી અચાનક રીટાનું ધ્યાન જ્યોતિ ના ચહેરા પર ગયું, “ અલી….તેં કેમ કંઈ ગળામાં પહેર્યું નથી અને તારા સોનાના એરિંગ ક્યાં ગયા? હાથમાં બંગડી પણ નથી!”

અત્યાર સુધી એ લોકોની વાતો પર બહુ ધ્યાન આપ્યા વગર હું ટી.વી. પર મારો મનગમતો કાર્યક્રમ નિહાળી રહ્યો હતો…ત્યાં રીટાનાશબ્દો મને મિસાઇલની માફક વાગ્યા, અંદરથી હું ખળભળી ગયો.

મારી મન:સ્થિતિ પામી જતાં જ્યોતિ સિફતપુર્વક રીટાને વાતો કરવા બેડરૂમમાં લઈ ગઈ.

મારા મનને થોડી રાહત થઈ. પણ શંકાએ માથુ ઉંચકવાનું ચાલુ કર્યું. “ પેલી મારી બૈરીને આડુઅવિળુ કંઈ ભરમાવે નહિ તો સારું.” એકવાર તો મન પણ થયું કે લાવ એ લોકોની વાતો સાંભળુ,પણ સારુ ન લાગે એમ સમજી બેસી રહ્યો.

——————————————————————————————–
નિવૃતિનો નિર્ણય લિધાને આજે બે મહિના વિત્યાં હતા, હું ધંધો લગભગ આટોપીચુક્યો હતો થોડું ઘણું જે કંઈ બાકી હતું
એ મારો દિકરો પ્રથમેશ એની આવડત મુજબ બંધ કરવાના પ્રયત્નોમાં લાગ્યો હતો. કારણ એ પોતાના કોમ્યુટરના બિઝ્નેસમાં ખુશ હતો આમે ય પ્રથમને મારા ધંધામાં બહુ લેવા દેવા નહોતી. હવે હું આ નિવૃતિના સમયનો કેવીરીતે ઉપયોગ કરવો એના આયોજનમાં પડ્યો હતો.

આજે મારી તંદ્રા ચા ના ટિપોય પર ‘ખણીંગ’ આવાજ સાથે મુકાયેલા કપના અવાજ સાથે તૂટી.

કપનો ખણીંગ….. અવાજ મને ઘણું બધુ કહી ગયો! આ અવાજ ગુસ્સો, રિસ, નારાજગી, નફરત એક સાથે મારા પ્રત્યેની બધી જ નકારાત્મક લાગણીઓનો જાણે હુમલો હતો. આવનારા તોફાનને હું પામી ગયો. એ પણ સમજી ગયો કે

આ ગઈકાલની રીટા સાથે થયેલ મુલાકાતની અસર છે.

હું વાકબાણોને ઝિલવા મારી જાતને તૈયાર કરી રહ્યો હતો. ક્યાંય કંઈ ઉગ્રતા પ્રદર્શિત ન થઈ જાય એ વાતનું સભાનતા પુર્વક મારે ધ્યાન રાખવાનું હતું. કારણ હવે હું નિવૃત હતો.

એક ધ્રુજતા કર્કશ અવાજમાં પ્રથમેશ ને સુચના અપાઇ રહી હતી, “ બકલા……કહી દે તારા પપ્પાને હું કંઈ આખી જિંદગી એની ગુલામ બનીને રહેવાની નથી.”

પછી મુખ્ય ખંડમાં આવી મને ઉદ્દેશીને તાડુકીને જ્યોતિ બોલી, “ આખી જિંદગી આ ઘરમાં મેં જે ભોગ આપ્યો છે, એવો કોઈ બૈરી ન આપે…. તમારા મા-બાપને સાચવ્યાં, દિયરના છોકરાને પણ મોટા કર્યાં, આજે જ્યારે શાંતિથી જીવવાનો વખત આવ્યો ત્યારે તમે લોહી પીવા ઊભા થઈ ગયાં”
કહી લગભગ રડવા લાગી.

હું જરા શાંત સ્વરે એને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો, “ જો ધંધામાં કોઈ વખત નુકશાન જાય એમાં આટલાં ગુસ્સે થવાની જરુર નથી.”

મારો હાથ એક ઝટકાથી દુર કરતાં થોડા વધુ પ્રબળ ગુસ્સા સાથે એ બોલી, “ એક વાત સાંભળી લો,
તમારે જે રીતે ધંધા કરવા હોય એ રીતે કરો… હવે હું આ ઘરમાં મારી કમાણીનો એક પણ પૈસો નહિ આપું… બહુ થયું…….. હવે સહન નથી થતું…. હું આ ઘર છોડી ને જાઉં છું. અને મારા ગિરવે મુકેલા ઘરેણાં પાછા નહિ આવે ત્યાં સુધી પાછી નહિ ફરું.”

કહી બેડરૂમમાંથી બેગ લાવી સટાક દઈ… બારણું બંધ કરી, બહાર નિકળી ગઈ! હું સ્તબ્ધ બની એને જતી જોઈ રહ્યો.
——————————————————————————————–

નિવૃતોની અવદશાની વાતો વાંચી, સાંભળી હતી. પરંતુ મારા જીવનમાં આટલી જલ્દી આવશે એ મેં નહોતું ધાર્યું. આજે જ્યોતિને ગયાને લગભગ એક મહિના જેવો સમય વિતિ ગયો. અત્યાર સુધીમાં હું મારી નિવૃત જાત ને ઘણા અનુત્તર પ્રશ્નો પુછી ચુક્યો છું.

આ લૌકિક દુનિયામાં “હું કોણ છું?” એ પ્રશ્નના ઉત્તરામાં મારી એક સમજ ચોક્ક્સ કેળવાઈ કે…….

આપણી આ સામાજીક દુનિયામાં આપણે નક્કી કર્યાં મુજબ ના “હું” ક્યારેય નથી હોતા,આપણી સાથે આપણી જાતને સ્પર્શતાં સબંધો…સંજોગો…પરિસ્થિતિઓ…વલણો….જ્યારે જ્યારે બદલાય ત્યારે ત્યારે “હું” બદલાતો રહે છે. એટલે ચલતી કા નામ જિંદગી સમજીને જીવતાં શીખી જવું જોઈએ.

નોંધ:- આ તદન કાલ્પનિક વાર્તા છે જે ઘણાં ના જીવનમાં બનતી હોય છે. વાર્તાને જીવંત બનાવવા મારી જાતને વાર્તા સાથે સાંકળીને લખવાની મને આદત છે.
લેખક:રાજુ કોટક (૨૪.૦૭.૨૦૧૩)
*****************************************************************************

Advertisements

“એક ભિખારી…………..”


લઘુ કથા-લેખક: રાજુ કોટક

વૈશાખી ગરમીમાં અમદાવાદની સડકો ઊના લ્હાય શ્ર્વાસો ભરી રહી હતી. સ્ત્રિ, પુરૂષ સ્કુટર અને બાઈક સવારો કાળઝાળ ગરમીથી બચવા મોં પર રૂમાલ કે દુપટ્ટો પહેરી કામે પહોંચવાની ઉતાવળમાં હતા. હું પાંચ દાયકાની મહેનતકશ જીવન સફર પૂરી કરી ચુક્યો હોઈ, એ.સી. કાર વહન કરી શકવાને સમર્થ હતો.એટલે ગરમી જરા મારાથી નારાજ હતી.

મારે વસ્ત્રાપુર લેકની બરાબર સામે આવેલ કાલુપુર કોમર્શિયલ બેંકમાં જવું હતું. પણ કારનું પાર્કિંગ બેંક સામે મળવું જરા મુશ્કેલ હતું. શોપિંગ સેંટરમાં આવેલા કાર પાર્કિંગ પ્લોટ પર ખાણીપીણીનાં પાર્લરોએ જાણે ગાર્ડન રેસ્ટોરંટ બનાવવાના અધિકારો મેળવી લીધાં છે, એટલે શોપિંગ કોમ્પ્લેક્ષમાંઓફિસ કે દુકાન ધરાવનારાઓ જ જ્યાં રસ્તા પર પોતાના વાહનો પાર્ક કરતા હોય ત્યાં મારુ શું ગજુ! તેથી મેં બેંકની બરાબર સામે લેકની ફુટપાથને અડીને મારી કાર પાર્ક કરવાનું નક્કિ કર્યું. હજુ હું કાર પાર્ક કરવા જાઉં છું ત્યાં……

“એક્સ્ક્યુઝ મી…સર..!” એક શિક્ષિત અવાજ મારા કાને પડ્યો.

મેં પાછળ ફરીને જોયું તો સુઘડ વસ્ત્રોમાં સજ્જ, વસ્ત્રાપુર લેકની ફુટપાથ પર, સ્વચ્છ શેતરંજી બિછાવી, એક યુવક બેઠો હતો. મને થયું કોઈ વસ્તુ વેંચતો હશે એટલે કદાચ ગાડી થોડી સાઈડમાં પાર્ક કરવાનું કહેતો હશે. કારણ આપણે પાર્કિંગ કરતાં હોઇએ ત્યારે બિલ્ડીંગનાં ચોકીદારો અને ફેરિયાઓ આપણાં પર આ રીતે હક્ક જમવતાં હોય છે.

પણ હું એને કંઈ કહેવા જાઉં એપહેલાં એ જ સ્ફુર્તિથી એ બોલ્યો, “સર, વાંધો નહિ હું આપની કારનું ધ્યાન રાખીશ…પણ મર્સિ ગ્રાઉન્ડ પર આપ મને કંઇ આપતા જ જો.”

હું જરા ખિજાયો, “ વોટ ડુ યુ મીન?”

થોડા વધુ નમ્ર સ્વરમાં એ બોલ્યો, “ સર, હું ભિખારી છું અને ભીખ માંગવી એ મારો હક છે.”

હવે મારો પીત્તો ગયો, “ અલ્યા, આટલો હટ્ટોકટ્ટો છે….”

ઉપરથી નિચે હવે મેં એને ધ્યાનથી જોતાં. “ શિક્ષિત પણ લાગે છે!”

પછીનું વાક્ય એનું હતુ, “ અને ભીખ માંગતા શરમ નથી આવતી?” “ આમ જ કહેવું છે ને સાહેબ?”

મને એના ચપળ પ્રતિભાવમાં વ્યાવસાયિક ચતુરાઈ દેખાઇ, હું જરા નરમ પડ્યો નેં કહ્યું,”હા”

“સર, બધા જ લોકો બધા જ ભિખારીને આવું જ કહે છે.”

“પણ એ ભિખારી કેમ બન્યાં એ જાણવાની કોઈ પરવા નથી કરતું!”

હવે મારી નજર એણે પાથારણાં પર ગોઠવેલાં, સુંદર અક્ષરોમાં પેઈંટ કરેલાં બોર્ડ પર ગઈ.
જેના પર લખેલું હતું:

ભીખ માંગવી અમારી મજ્બૂરી નથી, હક છે.
ભીખ આપવી આપની દયા નથી, ફરજ છે.

“ ઈન્ટરેસ્ટિંગ.” હું મનમાં બબડી ઊઠ્યો.

મારા વિચારને પામી જતો હોય એમ એ બોલ્યો, “ સાહેબ,ભિખારી કોમ્યુનિટી એટલી બદનામ છે કે આ બોર્ડ મુકવુ પડ્યું!”

એના વાક્ચાતુર્યએ મને તેની પાસે જઈ બેસવા મજબૂર કર્યો. મને આ માણસ ભિખારી બનવા માટે સર્જાયો નથી એવુ પણ લાગ્યું. પણ આ હક અને ફરજની વાત સમજાઈ નહિં.

ફરી મારા વિચારો કળી જતો હોય એમ એ બોલ્યો, “સર, હક એટલે કે અમારામાંના ઘણાં બધા લોકો સમાજ અને સરકાર દ્વારા નાસિપાસ થતાં હોય છે અને મારા જેવા સ્નાતક યુવાનો રોજગાર મેળવવામાં તરછોડાયેલાં હોય છે.”

“હવે તમે કહેશો કે કોઈ કામ કરો. પણ કોઈ કામ આપે તો કરૂં ને! ગ્રેજ્યુએટ થઈ અત્યાર સુધીમાં ૫૦ ઈન્ટર્વ્યું આપ્યા, અને ૧૦૦ થી વધુ રિજ્યુમ એપ્લિકેશન મોકલી, ત્યાં પણ લાગવગ- રિક્રુટરની આપણાં પગાર માંથી કમિશન મેળવવાની લાલચ અને સગાવાદના જોરે સિલેક્શન થાય છે.”

“અરે… સાહેબ હું મજુરી કે ઘરઘાટીનું કામ કરવા પણ તૈયાર થયો. પણ દેખાવે સ્માર્ટ અને શિક્ષિત હોવાના કારણે ત્યાં પણ કોઈ વિશ્વાસ રાખવા તૈયાર નથી. એવું કહી ને કે તમારા જેવા ભણેલાં ગણેલાંએ આવું કામ ન કરાય, કોઈ સારી નોકરી શોધો!”

“ સાહેબ, સમાજે મને સ્વિકાર્યો નહીં, એટલે ના છૂટકે મેં ભીખને જ એક વ્યવસાય તરિકે સ્વિકાર્યો.”

મેં સાશ્ર્ચર્ય પૂછયું, વ્યવસાય?”

“ સર, મને કોઈ કામ કરવામાં તો શરમ હતી નહિં, તેથી ભિખારીના વ્યવસાયનો ઊંડો અભ્યાસ કરી, ભીખ માંગવાની નવી નવી રીતો અજમાવી, આ વ્યવસાયમાં કેરિયર બનાવવાનું નક્કી કર્યું.”

ફરી અચરજ વ્યક્ત કરતાં મેં કહ્યું, “ ગજબ માણસ છે તું!” કંઈ ના મળ્યુ તો ભીખ!! અને એ પણ વ્યવસાયના રૂપ માં!!!”

મને એની વાત ખુંચી, જચી નહીં. હું ઊભો થઈ ચાલવા લાગ્યો.

“ સર, ના ગમ્યું તો કંઇ નહિ, પણ મર્સી ગ્રાઉન્ડ પર આપની ફરજ તઓ બજાવતા જાઓ.”

ભલે હું એનાથી નારાજ થયો પરંતુ અજાણતાં પણ એની ભીખ માંગવાની રીત મને સ્પર્શી ગઈ!

અને જતાં જતાં એની સામે પણ જોયા વગર હું કહેતો ગયો, “ ફરી ક્યારેક.”

મારા વાક્ય પછી શરૂ થતું એનું વાક્ય મારા કાને અથડાયુ “ બસ સાહેબ, આપની જેમજ ભિખારીમાં પણ લોકોને વિશ્ર્વાસ નથી બેસતો…પણ આ મારો સ્વતંત્ર વ્યવસાય છે હું ડેવલપ કરીને રહિશ.”
*******************************************************************************************************************

આજે હું અને મારી પત્નિ જ્યોતિ કાળુપુર કોમર્શિયલ બેંકની વેઇટિંગ સીટ પર બેસી, હોમ લોનનું ફોર્મ ભરી રહ્યાં હતા. અમારી ચર્ચા દરમિયાન વાતને એ પામી ગયો હશે તેથી બોલ્યો,

“ગુડ મોર્નિંગ સર, બહુ દિવસે દેખાયા? ત્રણ મહિનાં થઈ ગયાં!”

“હં.” આ વખત મેં ટૂંકો જવાબ આપી ભિખારી સામે ઉપેક્ષિત દ્રષ્ટિ કરી એને ટાળવાની કોશિશ કરી.

પછી એક વેધક પ્રશ્ન, સૂચક દ્રષ્ટિ કરી એણે પુછયો, “ સર, ખોટું ના લગાડો તો એક વાત પૂછું?”

હવે જ્યોતિએ મારા સામે જોઈ ઇશારાથી પુછ્યું, ”કોણ છે આ?”

હું કંઈ કહેવા જાઉં એ પહેલાં પેલાએ સીધો સટીક જવાબ આપ્યો, “ભિખારી.”

જ્યોતિનો ભિખારી પણ મને ઓળખે છે એ મતલબ નો અણગમો, મને જરા ક્ષોભ પમાડી ગયો!

પણ પેલો તો ચાલુ જ રહ્યો, “ડોન્ટ વરી સર, હજુ અમારા પ્રોફેશનને સમાજમાં સ્થાન મળતાં વાર લાગશે.”

હવે મારાથી ન રહેવાયું, “તું અહિં પણ….”

મારી વાત કાપતા એ બોલ્યો, ” ભીખ માંગવા નથી આવ્યો સર, આ બેંકમાં મારુ ખાતુ છે, પૈસા જમા કરાવવા આવ્યો છું.”

પછી જતાં જતાં કહેવા લાગ્યો, “ સર, ઈફ યુ ડોન્ટ માઇન્ડ, તમે પણ લોન લો જ છો ને, હો પૈસા માંગો જ છો ને. પણ અમે માંગીએ એને ભીખ કહેવાય!”

એક તો અપમાન અને એ પણ જ્યોતિના દેખાતાં, હું ઊભો થઈ લગભગ બરાડી ઊઠયો…..

હેય…. માઇન્ડ યોર લેન્ગવેજ અમે લોન લઈએ છીએ તો વ્યાજ સહિત રિફંડ પણ કરીએ છીએ.”

પછી ગુસ્સામાં હાથ ઉ ગામી હું એને મારવા જતો હતો ત્યાં જ્યોતિએ ઉભા થઈ મને રોક્યો.

હું બબડ્યો, “ સા…લા… ભીખ સાથે આ વાત ને ના સરખાવ.”

કોઈપણ તિવ્ર પ્રતિભાવ આપ્યા વિના એ તો એ જ ખુમારીથી બોલતો રહ્યો.

“ સાહેબ… મને બતાવો કયો ભણેલો માણસ કાળી મજુરી કરે છે? તમે કદાચ એ.સિ. ઓફીસમાં બેસી, બિઝનેસ ટેકનિક અપનાવી પૈસા કમાતા હશો, કોઇ ધાર્મિક સંસ્થા પણ પોતાની ટેકનિક થી દાન માંગે જ છે ને, કરપ્શન કરનારો પણ જુદી જુદી તરકિબ અજમાવી પૈસાના તોડ કરે છે, અરે… મંદિરમાં ઇશ્ર્વર સામે થતી યાચના ભીખ નથી તો શું છે? અમારે પણ કોઇ ને કોઇ ટેકનિકનો ઉપયોગ કરવો પડે છે ત્યારે કોઈ ભીખ આપે છે, મહાશય….. અંતે તો સમાજ ના બધા લોકો યાચક જ છે, ભીખ માંગવાની રિતભાત કદાચ જુદી હોઈ શકે, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી વી ઓલ આર સેઈમ (સરખાં) હિયર.

ગુડબાય સર! કહી એ તો ચાલ્યો ગયો.

પણ મારા, જ્યોતિના અને બેંકમાં ઉભેલાં બીજા ગ્રાહકો ના મનમાં અનેક પ્રશ્નો છોડતો ગયો!”

સર્વ હક લેખકને આધિન લેખક: રાજુ કોટક(૭.૦૭.૨૦૧૩)