કરી બેઠો…….!


પરાયા સપનાને પોતાના કરી બેઠો,
વગર  વિચારે  હું  પ્રેમ  કરી  બેઠો.

 

રેતીના દરિયાને મારો કરી બેઠો ,
સહરામાં  પાણીની  આશ કરી બેઠો.

 

બદનામ થઈ બેનામ થયો તો પણ ,
મારું આ નામ  તારે નામ  કરી બેઠો.

 

મંઝીલ વિહોણા મારગે ચાલતો રહ્યો,
પથ્થરી  ઠોકરો  ને વહાલ કરી બેઠો.

 

દરિયાને વહેવું હતું  સુંવાળી રેત પર ,
ખડગ થી અથડાય કહેર કરી બેઠો  .

 

અરીસા પથ્થરના હોય તો ‘રાજુ’ શું કરે?
મુલાયમ ચહેરા નું  ગુમાન કરી બેઠો ……………………રાજુ કોટક (૨૪.૦૪.૨૦૧૨)

Advertisements
By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ

મારા પ્રેમનું કબુલાતનામું.


મારા સપના પર જો તારું સરનામું છે,

એ  જ  મારા પ્રેમનું કબુલાતનામું છે.

 

પ્રસ્તાવ વિના પ્રેમમાં  પડવું ગુનો છે?

કહ્યા વિણ કરેલું આ મારું કારનામું છે.

 

જરાય જરૂરી નથી તને જોવી કે મળવું,

મારી મરજી મુજબ નું આ કરારનામું છે.

 

તારું વજુદ હોવું  મારે  મન પર્યાપ્ત છે,

મારો પ્રેમ તારી હયાતીનું વસિયતનામું છે.

 

ખર્ચ નામે વહેમ, આવક નામે પ્રેમ લખજે,

‘રાજુ’ નો પ્રેમ છે થોડું કઈ હિસાબીનામું છે!………………….રાજુ કોટક (૨૧.૦૪.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

કરી ગઈ……!


તમારી મતવાલી ચાલ સરકતો સવાલ કરી ગઈ,

પાછળ ફરીને કરેલી નજર મને બેહાલ કરી ગઈ .

 

 

યાદોમાં તમારી ઉમળકો શમી ગયો’તો અમારો ,

તમે ન આવ્યા તે’દિવસે ભ્રમણા કમાલ કરી ગઈ.

 

 

તમારી ખુશ્બુ પ્રસરી કે તાજા ફૂલો નો ગુલદસ્તો,

ઉપવનમાં ખીલેલા પુષ્પો ને સો સવાલ કરી ગઈ.

 

 

ટોળા માં તે દિવસ હું પણ  ઉભો ‘ તો રાહ જોઈને,

સીધી મારા પર પડેલી એ નજર નિહાલ કરી ગઈ.

 

 

નહી આવો  માની અમે બારી ઓ બંધ રાખી હતી.

સખી ને થયેલી પૃચ્છા આમારો ખયાલ કરી ગઈ .

 

 

શરમ થી નજર ઝુકાવી આજે કેમ ચાલો છો તમે?

કંકોતરી તમારી ‘રાજુ’ ને આજ પાયમાલ કરી ગઈ……………….રાજુ કોટક (૧૯.૦૪.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ

આ રોગ વકરે છે!!!


દવા કરો તેમ તેમ આ રોગ વકરે છે,
કોઈ ક્હો દિલના ઘાવ કેમ ચચરે છે.

બળતરા, એની વાત જવા દ્યો દોસ્તો ,
સહેજ ટાઢક વળે ત્યાં વળી ટળવળે છે.

નિદાન નથી કરી શકતા તબીબો અહીં ,
અખતરા કરી નિરાશ થઈ પાછા ફરે છે.

તમે જાણતા હોવ તો બતાવો દોસ્તો,
દિવસ-રાત વિચારોમાં મન કેમ તડપે છે?

કવિતા વાંચી બેસી રહેવું ના પોસાય હવે ,
આ તે કયો રોગ જે બધાને આમ કનડે છે?

દવા કરો તેમ તેમ આ રોગ વકરે છે,
કોઈ ક્હો દિલના ઘાવ કેમ ચચરે છે……………………..રાજુ કોટક (૧૬.૧૦.૨૦૧૧)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

કોઈ ને કોઈ અહીંયા ક્યાં કામ લાગે છે.


કોઈ ને કોઈ અહીંયા ક્યાં કામ લાગે છે,
નિજ કામ કાઢવાના બસ દામ લાગે છે.

આમ ને આમ એમને બધું તમામ લાગે છે,
એમનામાં એમને જોવાનું હવે આમ લાગે છે.

ક્યારે સમાવી શકીશું બધાને આરસી માં ?
પ્રતિબિંબ નો આકાર હવે વામ લાગે છે.

ગમા અણગમા નો હવે બહુ થાક લાગે છે
ન ગમતું ગમે છે ત્યારે આરામ લાગે છે.

સનમ તને પામવા કંઈ કેટલા વાના કર્યા,
બેવફાઈના ઘુંટડા હવે અધૂરા જામ લાગે છે.

શું સતત ચાલતાં રહેવાનું નામ છે જિંદગી?
સાચા સંગાથના સધિયારે વિરામ લાગે છે.

દેખાય તે હોતું નથી ને હોય તે દેખાતું નથી
આવા આભાસી ચહેરા મને સરેઆમ લાગે છે.

બીજા ખાતર ખુવાર થવાનું છોડી દે ‘રાજુ’
ઉપકારને ભૂલેલા લોકો વધુ બેફામ લાગે છે.

ક્યારે છૂટીશ ‘રાજુ’ આ બધી પળોજણમાંથી,
જો, દુર ક્ષિતિજ માં દેખાય એ રામ લાગે છે………………રાજુ કોટક(૧૬.૦૭.૨૦૧૧/૧૭.૦૪.૨૦૧૨ )

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ

લાગી આવ્યું…………!!!


આજ મુજને અમથે અમથું, કેમ અચાનક લાગી આવ્યું…

 

મન માંકડું, લાગણી વાદળી,

વરસે જ્યાં   ત્યાં અનરાધાર ,

પડી જ્યાં થપ્પડ વાવાઝોડી…તો અચાનક લાગી આવ્યું.

 

આજ મુજને અમથે અમથું, કેમ અચાનક લાગી આવ્યું…

 

સાવ સરાસર, લાગણી ભીનો,

કર્યો મેં  પ્રેમ,  વાસંતી  કેરો ,

પાન..ખરે જ્યાં ખબર પડી …તો અચાનક લાગી આવ્યું .

 

આજ મુજને અમથે અમથું, કેમ અચાનક લાગી આવ્યું…

 

ભરોસો મારા, ભાઈબંધ જેવો,

રાખી કરતો , સહુ  ના  કામો,

મિત્રો એ જ જ્યાં મારી લાત…તો અચાનક લાગી આવ્યું.

 

આજ મુજને અમથે અમથું, કેમ અચાનક લાગી આવ્યું…

 

સગાઓ સાથે, સુરતા સાધી,

ટાણે  પ્રસંગે,  આગળ કરતો,  

સ્વજને જ જ્યાં કર્યો અળગો…તો અચાનક લાગી આવ્યું.

 

આજ મુજને અમથે અમથું, કેમ અચાનક લાગી આવ્યું…

 

સાધવો મારે ઈશ્વર નો સાથ,

જવું  સિધાવી મોક્ષ  ને દ્વાર,

સાધુ એ જ્યાં ખોલી હાટડી…તો અચાનક લાગી આવ્યું .

 

આજ મુજને અમથે અમથું, કેમ અચાનક લાગી આવ્યું…

 

‘રાજુ’ રહે તું તારા અંતરમાં,

ના કરીશ કઈ આ જગતમાં,

મન દોડે જ્યાં બની ચલિત…તો અચાનક લાગી આવ્યું .

 આજ મુજને અમથે અમથું, કેમ અચાનક લાગી આવ્યું…………..રાજુ કોટક (૫.૦૪.૨૦૧૨)

 

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગીત

બની જવું છે………..


સમાય જા મારા વિચારોમાં,
મારે ગમતી ગઝલ બની જવું છે.

અંકાય જા આકાશી ઉજાસમાં,
મારે સોનેરી વાદળી બની જવું છે.

ફેલાય જા ઉપવનના ફૂલોમાં,
મારે કળીની કુમાશ બની જવું છે.

રેલાય જા સમુદ્રી લહેરમાં,
મારે દરિયાની રેત બની જવું છે.

સંતાય જા ઝાડની આડશમાં,
મારે ઝાડ ની ઓથ બની જવું છે.

છુપાય જા આંબાની ડાળમાં,
મારે મોર નો ટહુકો બની જવું છે.

વરસી જા મારી સુકી ધરામાં,
મારે તારી ભીનાશ બની જવું છે.

સમાય જા મારા શ્વાસોશ્વાસમાં,
મારે તારી સુગંધ બની જવું છે.

છવાય જા ‘રાજુ’ના શમણામાં,
મારે મીઠી નિંદર બની જવું છે……………………………….રાજુ કોટક (૧૭.૦૪.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

ઝંખના ના ખાલી મુકામ મળી ગયાં!


શોધવા ગ્યા આંખો ના કામણ,
ત્યાં મારકણા બાણ મળી ગયાં .

બાંધ્યા’તા મહેલ સંબંધ તણા મેં ,
મિત્રોની કપટના સ્થાન બની ગયાં.

માન્યું’તું મળશે પ્રભુ ભાગવા વેશમાં,
ત્યાં પણ દુરાચારના ધામ મળી ગયાં.

અરમાન ને વેત છેટું હતું સંતોષ થી ,
ઝંખના ના ખાલી મુકામ મળી ગયાં!

હતું પ્રેમનો પર્યાય બીજો ન હોય કદી,
પ્રકારે પ્રકારે પ્રેમના ચાસ પડી ગયાં .

પુરબહારે ખીલી હતી વસંત જયારે,
પુષ્પને પરાગના પ્રમાણ મળી ગયાં.

નશામાં આટલો કેફ નહોતો આવ્યો કદી,
જ્યારથી અધરના મધુરા જામ મળી ગયાં.

‘રાજુ’ ભાઈ જીવી ગયાં કારણ કે એમને,
દોસ્તોની લાગણીના પ્રમાણ મળી ગયાં………….રાજુ કોટક (૧.૦૩.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

માંડી વાળ્યું……………………!!!


નશાનું કેફ તારી આંખોમાં ભાળ્યું ,
મયખાને જવાનું મેં માંડી વાળ્યું .

લાગણી નું કારણ તુ જ હો પછી,
સંબંધ સાચવવાનું મેં માંડી વાળ્યું.

શાતા મળે છે તારી યાદ માં મને,
હવે મંદિરે જવાનું મેં માંડી વાળ્યું.

સ્મિતમાં સૂરનો આલાપ મળ્યો મને,
મહેફિલમાં જવાનું મેં માંડી વાળ્યું.

મહેકની માદક મદહોશી મળી મને ,
ઉપવનમાં જવાનું મેં માંડી વાળ્યું.

શબ્દ બની ગુંજતી રહી વિચારોમાં તું,
હવે ગઝલ લખવાનું મેં માંડી વાળ્યું.

તારાથી આરંભ, તું જ અંત ‘રાજુ’નો,
મોક્ષ મેળવવાનું હવે મેં માંડી વાળ્યું………………………..રાજુ કોટક (૨.૦૪.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

કમાલ છે તારી આંખો બેમિસાલ છે.


કમાલ છે તારી આંખો બેમિસાલ છે,
જે ડૂબે છે એમાં બધા પાયમાલ છે.

કાતિલાના કેર વરતે છે ચહુ ઔર,
ગલીના રસ્તા બધા હવે બેહાલ છે.

નશો છે નજર માં એવો સુનયની,
દારૂના પીઠા ય બધા સુમસામ છે.

ભાળી નથી આવી નજાકત આંખોની,
આંખો નથી ખુદાનું સાક્ષાત વહાલ છે.

ન ખપે વૈભવ ના વિલાસ ‘રાજુ’ને,
એ તો તારી દોસ્તીથી માલામાલ છે………………રાજુ કોટક (૩.૦૪.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા