ઝેરની અસર ન થઈ અમને, પ્રેમ કરી જોવા દયો.


તમારી યાદના સરોવરનું એકાદ બુંદ પીવા દયો,

ઝેરની અસર ન થઈ અમને, પ્રેમ કરી જોવા દયો.

જખમો ચાહો તેટલા આપી શકો છો તમે અમને,

તમે જ ઈલાજ છો,ઘાવ અસર બની ભરાવા દયો.

મૃગજળ તરસ જગાવી ગયું ભ્રમજાળ પાથરી ને

હવે ઝેરનો પ્યાલો ય અમૃત બની પીવાવા દયો.

રાગદ્વેષ ના છેડાતા રાગોમાં હું સાવ બેસુરો રહ્યો,

પ્રેમના સરગમી આલાપે ગીત બની ગવાવા દયો.

પ્યારને પામી તમારા અમર બની જવું છે અમારે,

નશ્વર અને શાશ્વત નો ભેદ અમને પામવા દયો.

‘રાજુ’ ને નસીબ સાથે આડ વેર રહ્યું છે સરાસર,

કોઈના ખભે બંદુક રાખીને ય ભાગ્યોદય થવા દયો ………રાજુ કોટક (૩૦.૦૩.૨૦૧૨)

Advertisements
By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

કહો ગોરી તમે કિયા ગામ ના વરણાગી ….


ઢળકંતી ચાલે તમે જોબન ઉલાળી ગ્યા,
દિલડાં અમારા તમે શીદને ડોલાવી ગ્યા,
આંખના ઉલાળે તમે કામણ રેલાવી ગ્યા,
દિલડાં અમારા તમે શીદને વિંધાવી ગ્યા.

કહો ગોરી તમે કિયા ગામ ના વરણાગી ….

પલકારો પામી તમે પલ્લું સરકાવી ગ્યા ,
મનડા ના મોર તણા ટહુકા કરાવી ગ્યા,
શમણાની વાટે તમે ઓરતાં જગાવી ગ્યા,
દલડાં ના વચમાં દીવડા પ્રગટાવી ગ્યા ,

કહો ગોરી તમે કિયા ગામ ના વરણાગી ….

હૈયડાં ની હાટડી નો થડકારો ચૂકાવી ગ્યા ,
અંધારી રાતડીનો સુનકારો ઘમરોળી ગ્યા,
અંગીઠીનો ભડભડતો અંગારો ઓલવી ગ્યા,
અધરો ને હુંફાળો ધબકારો અપાવી ગ્યા.

કહો ગોરી તમે કિયા ગામ ના વરણાગી …………….રાજુ કોટક (૨૫.૦૩.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગીત

લાગણી વહાવી છે મેં હવે સંકેલું કેમ?


લાગણી વહાવી છે મેં હવે સંકેલું કેમ?
પાણીની પેઠે છે એ હવે એ વાળું કેમ?

ખારા મીઠાં સ્પંદનો ભળ્યા જે ચાખી લે,
ઓગળેલ વસ્તુને હવે એમાંથી કાઢું કેમ?

શંકાનું સમાધાન શોધીશ નહી હવે એમાં,
ચળાય નહી એવું ચારણ છે એ ચાળું કેમ?

ભરોસો હોય તો એનો કોઈ ઉકેલ પણ મળે,
પણ આ તો સાવ ડહોળું પાણી ઉકાળું કેમ?

મને સરખાવી શકે કોઈ સાથે એવો નથી હું,
ઝેરમાં સાકર ભેળવી પીવે તો ઉગારું કેમ?

સમય જરૂર‘રાજુ’નો સાચો પરિચય કરાવશે,
ત્યાં સુધી હું મારી જાત ને સાબિત કરું કેમ?………………..રાજુ કોટક (૨૩.૦૩.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

એક’દી હું મારી જાતને મળી ગયો….


એક’દી હું મારી જાતને મળી ગયો,
હું પોતે મને જોઈ ખળભળી ગયો!

મારું સ્વરૂપ આવું ના હોઈ શકે કદી ,
મારી જ ભૂલોનો હું ભોગ બની ગયો.

એક’દી હું મારી જાતને મળી ગયો….

પ્રેમમાં હું પાગલ બની ગયો તેથી’તો,
આલમ આખો મને ગાંડો ગણી ગયો.

એક’દી હું મારી જાતને મળી ગયો….

ઈશને પામવાની જીજ્ઞાસા હતી મનમાં,
જ્યાં જ્યાં ગયો, ભગવો છેતરી ગયો.

એક’દી હું મારી જાતને મળી ગયો….

રાખી ભરોસો ચાહ્યા સઘળા સ્વજનો ને,
ભરોસા ની ભેંસે જુઓ પાડો જણી ગયો.

એક’દી હું મારી જાતને મળી ગયો….

અનુભવે શીખ્યો જીવનના પાઠ સઘળા,
હવે મને એ જ નિરાળો ‘રાજુ’ મળી ગયો.

એક’દી હું મારી જાતને મળી ગયો……………..રાજુ કોટક (૧૮.૦૩.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

સમય સાથે મારે સરવું છે.


જીતવું નથી મારે જીવવું છે, 

સમય સાથે મારે સરવું છે. 

 

પારખા ભરોસો તોડી નાખે, 

તને સમજવા મારે કળવુ છે.

 

પ્રેમ કદી પસ્તાવો ન બને ,

યાદનું દર્દ મારે ખમવું છે.

 

ભલે શૈતાન બન્યા મિત્રો

ઝેરનું પારખું મારે કરવું છે.

 

નથી કઈ પીધાનું ભાન મને ,

મયખાને જઈ મારે ઝુમવું છે.

 

ભટક્યો મંદિર મસ્જીદ ગુરુદ્વારે,

ખુદા મળે તો મારે સ્મરવું છે.

 

‘રાજુ’ ગાફેલ રહ્યો હર ખુશીમાં,

ભ્રમર મળે તો મારે ખીલવું છે……………….રાજુ કોટક (૩૧.૦૩.૨૦૧૨)

 

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ

જીવવા માટે અહીં મરવું પડે છે


જીવવા માટે અહીં મરવું પડે છે 

ન કરવાનું ય બધું કરવું પડે છે.

 

પ્રેમ થતાં  થઇ  ગયો પણ હવે શું? 

પામી ન શકો તો છેવટે ઝૂરવું પડે છે.

 

સમજી ના  શક્યું  કોઈ  તમને અહીં, 

સાબિત કરવા જાતને ઝઝૂમવું પડે છે. 

 

નથી કોઈ ઠોસ એકસૂત્રી સમજ મળી,  

તેથી જ પ્રભુને પામવા ભટકવું પડે છે.

 

દગો-કપટ કે સ્વાર્થના દલદલમાં , 

બચવા  જતાં  પણ  ફસાવું પડે છે.

 

મન ને મારી ને રહીશ તો જ જીતીશ, 

મહાત થવાનું  અહીં  શીખવું પડે છે.

 

કોઈના છળને કળી  ન શક્યો ‘રાજુ ‘  

કઠણ રાખી કાળજું બધું સહેવું પડે છે………………..રાજુ કોટક  (૧૦.૦૩.૨૦૧૨ )

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

રસ્તો જુવે છે જે વાટ એ તારી પણ છે.


તારા મન માં એક યાદ મારી પણ છે,

મારી યાદ માં એક પ્યાસ તારી પણ છે.

 

છો ને વિખુટી પડી તારા મિલનની કેડી,

રસ્તો  જુવે છે જે વાટ એ તારી પણ છે.

 

શ્વાસો નો  ધબકાર દર્દ બની ગયું હવે ,

પ્રાણ  માં હજુ યે સુવાસ  તારી પણ છે.

 

છુટા પડે થી છૂટી જવાય ના કદી પણ,

દરેક સુખમાં મને ઝંખના તારી પણ છે.

 

વહે નસમાં લોહી ઝડપભેર જયારે પણ ,

અચાનક આવતી કંપારી તારી પણ  છે.

 

અલગતાનો તને દોષ નથી દેતો ‘રાજુ’,

સંજોગો ની એક મજબુરી મારી પણ છે ……………..રાજુ કોટક (૧૩.૦૩.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા